ભારત – વૈશ્વિક શૈક્ષણિક શિખરથી નિરક્ષરતાની ખીણ સુધી – ૧

પ્રાચીન સમયમાં ભારતમાં શિક્ષા ગુરુકુળમાં ગુરુ દ્વારા પ્રદાન થતી હતી જેમનાં આશ્રમ નાગરિક વસાહતોથી દુર જંગલમાં રહેતાં જેને “અરણ્યવિદ્યાકેન્દ્ર (Forest Universities)” પણ કહી શકાય.

The article has been translated from English into Gujarati by Hiren Dave (@HerryDev12). Original article could be read here.

૧૯૦૧માં ટાગોર દ્વારા શરુ થયેલી નૈસર્ગિક શાળા (Open Air School) – શાંતિનિકેતન, સમય જતાં એક વિખ્યાત વિદ્યાપીઠ બની હતી. ભારતનાં એવાં શિક્ષણવિદોમાં ટાગોરનું અનોખું સ્થાન છે કે જે યોગ્ય ગુરુનાં સાનિધ્યમાં (Vicinity) નિસર્ગનાં ખોળામાં (In the laps of nature) શિક્ષણ મળે એના હિમાયતી (Proponent) હતા.

પ્રાચીન સમયમાં ભારતમાં શિક્ષા ગુરુકુળમાં ગુરુ દ્વારા પ્રદાન થતી હતી જેમનાં આશ્રમ નાગરિક વસાહતોથી દુર જંગલમાં રહેતાં જેને “અરણ્યવિદ્યાકેન્દ્ર (Forest Universities)” પણ કહી શકાય. એ આશ્ચર્યની વાત નથી કે વિશ્વનું સૌથી પ્રાચીન મૌખિક જ્ઞાન વેદ – સંસ્કૃતિ, નિસર્ગ અને જીવજંતુઓનાં સહજીવન અને તાદાત્મ્યની (Oneness) વાત કરે છે. વિદ્યાર્થી જ્ઞાનની ચિરયાત્રા (Long Journey) શરુ થતા પહેલાં અનંત બ્રહ્માંડમાં પોતાનું અસ્તિત્વ સમજે એ આ ગુરુઓ માટે પ્રાથમિકતા રહેતી.

શિક્ષણ વ્યવસ્થાના આ પ્રસરણે સમય જતાં નાલંદા અને તક્ષશિલા જેવી વિખ્યાત અને અન્ય મંદિર-વિદ્યાપીઠો, જેનાં અવશેષ હજુ પણ દક્ષિણ ભારતમાં જોઈ શકાય છે, ને જન્મ આપ્યો. ચીન, કોરિયા, જાપાન, ઇન્ડોનેશિયા તથા પશ્ચિમ એશિયાથી ઘણાં વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠોમાં અધ્યયન માટે આવતાં. ઘણાં તો અત્યંત મુશ્કેલ એવી સમુદ્રી અને જમીની યાત્રા કરીને પણ જ્ઞાનપ્રાપ્તિ માટે ભારત આવતાં. ફા-હિ-યાન અને હ્યુ-એન-ત્સાંગ જેવાઓ તો પોતાની યાત્રાનો સંપૂર્ણ વૃત્તાન્ત (Travelogue) પણ છોડી ગયા છે. ઘણાં જ્ઞાનપિપાસુઓ (Knowledge thirsty) તો ભારતમાં પ્રાપ્ત કરેલ જ્ઞાનની હસ્તપ્રતો (Manuscripts) અને પ્રતિકૃતિઓ (Copies) તૈયાર કરીને સ્વદેશ પણ લઇ ગયાં. ભારતનાં ગુરુઓ પાસે અને આ વિદ્યાપીઠોમાં વિદ્યાપ્રાપ્તીની ઘેલછા (Craze) વિદેશમાં એટલી હદે તીવ્ર હતી કે જેટલી આજે અમેરિકા કે યુરોપની વિદ્યાપીઠો માટે જોવા મળે છે.

ભારતનાં આ બહુવિધશાખાવાળાં વિદ્યાકેન્દ્રોને વિદ્યાપીઠ ગણવામાં આજનાં બુદ્ધિજીવીઓ અને ઇતિહાસકારો અગમ્ય ખચકાટ અનુભવે છે જે આજની આધુનિક શિક્ષણપદ્ધતિ નો ઢાંચો (Structure), લેખિત જ્ઞાનનો અતિરેક અને વિશાળ ઈમારતોની આવશ્યકતા જેવાં પરિબળોને આભારી છે. આ કારણે – ઉત્કૃષ્ઠ કક્ષાની સિંચાઈની નહેરો, વરસાદી પાણીનાં સંચય અને ઉપયોગની વ્યવસ્થા (Water Harvesting), મહેલ, કિલ્લા, રસ્તાઓ – વિગેરેનાં રચયિતા ભારતીય ઇજનેરો બુદ્ધિમાન હોવા છતાં ધોતીધારી અને ખુલ્લી છાતીવાળા હોવાને કારણે ભાગ્યેજ વ્યાવસાયિક ગણાયાં કે જેમણે આ જ પ્રસિદ્ધ વિદ્યાપીઠોમાં જ્ઞાનપ્રાપ્તિ કરી હતી નહીં કે કોઈ અન્ય સ્થાને. આજ રીતે વિવિધ ઔષધોનાં મિશ્રણ, મિશ્રણપ્રાપ્તિસ્થાન તથા આ મિશ્રણોનો યોગ્ય ઉપયોગ જાણનારાં પ્રાચીન ભારતીય ચિકિત્સકો, કે જેઓ આધ્યાત્મિક દ્રષ્ટિકોણ પણ ધરાવતાં હતાં, સામાન્ય હકીમ કે મેલી વિદ્યાનાં જાણકાર તરીકે ખપાવી દેવાયાં.

શિક્ષા – એક પવિત્ર ધર્મ

પદાર્થ અને તેનું સ્વરૂપ, ભૌતિકતા અને આદ્યાત્મિકતા તથા નાશવંત (Mortal) અને શાશ્વત (Eternal) વિશે જાણવાની ઉત્કંઠા પ્રાચીન ભારતીયોમાં સવિશેષ હતી. આ બધાં દ્રષ્ટિકોણ જાણવા માટે તેમણે વિજ્ઞાન, ગણિત, પ્રાયોજિત વૈદકશાસ્ત્ર (Applied Medicine) તથા અન્ય ક્ષેત્રોમાં ઘણી શોધો કરી. વિશાળ માત્રામાં પ્રાપ્ત સંસ્કૃત શ્લોકો આ શિક્ષાની યથાર્થતા સિદ્ધ કરે છે જેમણે ગુરુ માટે કહ્યું છે “આચાર્ય દેવો ભવ” (તૈતરીય ઉપનિષદ). બાળકોને અક્ષરજ્ઞાન આપવાનો આરંભ (વિદ્યારંભ અથવા અક્ષરાભ્યાસ) એક સમારોહ ગણાતો હતો. આજે પણ બંગાળ અને દક્ષિણ ભારતમાં આ પરંપરાનાં અવશેષો જીવંત છે. બાળકોને દ્વિજ બનાવતાં ઉપનયન સંસ્કાર (જનોઈવિધિ) શિક્ષણના વિધિવત્ આરંભનાં સૂચક હતાં. શિક્ષણાભ્યાસ પૂર્ણ થવા પર ગુરુ દ્વારા ઉપહારરૂપે નગણ્ય ગુરુદક્ષિણા લેવામાં આવતી. શિક્ષાનો વ્યાપાર થતો નહીં.

પ્રાચીન ભારતનાં અરણ્યવિદ્યાકેન્દ્રો

મહાભારતમાં ઘણાં અરણ્યવિદ્યાકેન્દ્રોનો ઉલ્લેખ છે જેમકે શૌનકમુનિ દ્વારા સંચાલિત નૈમિષારણ્ય. વ્યાસ, વસિષ્ઠ અને વિશ્વામિત્ર દ્વારા સંચાલિત કેન્દ્રોનો પણ ઉલ્લેખ છે. કુરુક્ષેત્રની સમીપ એક વિદ્યાકેન્દ્રમાં તો બે સ્ત્રીઋષિનો પણ ઉલ્લેખ છે. પૈલ, વૈશમ્પાયન, જૈમીની, સુમંતુ અને શુક – વ્યાસનાં પ્રસિદ્ધ શિષ્યો હતાં. ઋષિ કણ્વનો આશ્રમ કણ્વની અધ્યક્ષતા હેઠળ તેની આજુબાજુ સ્થિત અન્ય આશ્રમોમાં એક કેન્દ્ર સમાન હતો. આશ્રમોમાં પ્રત્યેક વિદ્યાશાખાનાં વિશેષજ્ઞ રહેતાં. અમુક શાખાઓ હતી – વેદ અને વેદાંગ, યજ્ઞાધારિત શાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર (Logic), ભૌતિકવિજ્ઞાન (Physics), જીવશાસ્ત્ર (Biology) વગેરે. યજ્ઞ માટેનાં વિવિધ પ્રકારનાં અને ધારાધોરણનાં યજ્ઞકુંડ બનાવવા માટે ગણિત અને ભૂમિતિનું (Geometry) જ્ઞાન અનિવાર્ય રહેતું. વિજ્ઞાન અને ધર્મ ની વચ્ચે કોઈ ભેદરેખા ન હતી. બંને એકબીજાનાં પૂરક હતાં. દ્રવ્યગુણશાસ્ત્ર (Properties of Matter) અને પ્રાણીશાસ્ત્ર (Zoology) અન્ય શાખાઓ હતી. આથી અરણ્યકેન્દ્ર એક સંપૂર્ણ શિક્ષાકેન્દ્ર હતાં જે વિશ્વદર્શન માટે જરૂરી સર્વ પ્રકારની વિદ્યાનાં પ્રદાનકર્તા હતાં.

ભારતનાં અન્ય વિદ્યાકેન્દ્રો

ભારતમાં શિક્ષા માટેનાં વિદ્યાકેન્દ્રો ઠેર ઠેર ઉપલબ્ધ હતાં. છઠ્ઠી સદીમાં ઉત્ખનનથી (Archaeology) પ્રાપ્ત થયેલ તક્ષશિલા વિદ્યાપીઠ ભારતનું સૌથી પ્રાચીન વિદ્યાકેન્દ્ર ગણાય છે, જે હજુ પણ પ્રાચીન હોઈ શકે. વિભાજન પછી હવે તે પાકિસ્તાનનાં રાવલપિંડી જીલ્લામાં સ્થિત છે. નાલંદા, વલ્લભી, વિક્રમશીલા, પુષ્પગીરી, જગદ્દલા, ઓડંતપૂરી, સોમપુરા, વિક્રમપુર, રત્નગીરી, મિથિલા, ઉજ્જૈની અને કાંચીપુરમ અન્ય વિદ્યાકેન્દ્રો હતાં. જો કે આ એક અપૂર્ણ યાદી જ છે. હજુ આજે પણ પુરાતત્વવિદોને  (Archaeologists) આવી અનેક વિદ્યાપીઠોનાં અવશેષ આ જ કે અન્ય સ્થળેથી પ્રાપ્ત થતાં જાય છે. અરણ્યવિદ્યાકેન્દ્ર અને આ ઈંટ અને ચુનાથી બનેલી વિદ્યાપીઠો સાથે સાથે હોય તે પણ શક્ય છે. તક્ષશિલાનાં શ્વેતકેતુનો એક પ્રસંગ છે જે કળાના ક્ષેત્રમાં પદવીધારક હતો. પ્રાયોગિક કળાઓ  (Practical Arts) એકઠી કરવા હેતુ તેણે ભારતભ્રમણ કર્યું હતું. પરંપરાનુસાર એવું મનાય છે કે “મહાભારત”નું સર્વપ્રથમ ગાન તક્ષશિલા ખાતે વૈશમ્પાયન દ્વારા થયું હતું. પાંચમી શતાબ્દીમાં લખાયેલી બુદ્ધ જાતક કથાઓ પ્રમાણે તક્ષશિલા વિદ્યાનું એક પરમધામ હતું. ઈ.સ. ૪૦૫ માં ફા-હિ-યાન અને ઈ.સ. ૬૩૦ – ૬૪૩ માં હ્યુ-એન-સાંગ દ્વારા તક્ષશિલાની મુલાકાત લેવાઈ હતી. ઈ.સ. ૪૫૫ સુધી હુણો દ્વારા નાશ થવાથી હ્યુ-એન-સાંગની મુલાકાત વખતે તક્ષશિલા ખંડેરમાં ફેરવાઈ ચુક્યું હતું.

કળા અને સંસ્કૃતભાષાની સમૃદ્ધિમાં તક્ષશિલાનું મહાન યોગદાન હતું. આચાર્ય ચાણક્ય (કૌટિલ્ય) દ્વારા રચિત “અર્થશાસ્ત્ર” ગ્રંથ તક્ષશિલામાં જ આકાર પામ્યો હતો. આયુર્વેદને ઉંચાઇ બક્ષનાર ચરક તક્ષશિલાના જ વિદ્યાર્થી હતા, જે પછીથી ત્યાંજ શિક્ષક બન્યા. પાલિ ગ્રંથો પ્રમાણે જાણીતા ચિકિત્સક અને વૈદ્ય જીવક, તક્ષશિલાના વિદ્યાર્થી હતાં. વિશ્વને નિયમબદ્ધ સંસ્કૃતભાષાનું વ્યાકરણ આપનાર પાણિની પણ તક્ષશિલાના જ વિદ્યાર્થી હતા. ચોક્કસપણે તક્ષશિલાએ વિશ્વને અનેક ધુરંધર આપ્યા છે. જાતકકથાઓ પ્રમાણે વિદ્યાર્થીઓ ઉચ્ચશિક્ષણપ્રાપ્તિ માટે તક્ષશિલા જતાં જ્યાં તેમને વેદોનું જ્ઞાન અપાતું. ઉપરાંત અન્ય ૧૮ કળાઓ પણ શીખવાડાતી. આ કળાઓ વૈજ્ઞાનિક અને યાંત્રિક અભિગમ્ય રહેતી. વૈદકશાસ્ત્ર (Medicine), ન્યાય અને સૈન્ય પ્રશિક્ષણ (Military Academy) માટે અલગ વિદ્યાલય પણ રહેતાં. બાણવિદ્યાની (Archery) ઘણીજ માંગ રહેતી અને એક સાથે ૧૦૪ વિદ્યાર્થીઓને ભણાવાતી. આ બધાં જ વિદ્યાર્થીઓ સદ્ધર પરિવારથી હોય તે જરૂરી ન હતું.

રાજા બિમ્બીસારને ભગંદર (Fistula) ના રોગમાંથી જીવકે મુક્તિ અપાવી હતી અને પરિણામસ્વરૂપ મગધ અને બૌદ્ધસંઘનાં વડાચિકિત્સક (Head Doctor) ની પદવી પ્રાપ્ત થઇ હતી. ઉજ્જૈનીનાં રાજા પ્રદ્યોતને પણ કમળાના (Jaundice) રોગથી મુક્ત કરનાર જીવક જ હતો. એક વ્યાપારીનો પ્રસંગ વર્ણિત છે જેને માથાના દુઃખાવાથી જીવકે મુક્ત કર્યો હતો. તેણે દર્દીને પથારીમાં બાંધ્યો, માથાના ભાગની ચામડી કાપી, ઘામાંથી બે કીડાઓ કાઢ્યાં, ઘાને બંધ કર્યો, ચામડીને ફરી પાછી વ્યવસ્થિત કરી અને શાંતિથી શસ્ત્રક્રિયા પૂર્ણ કરી. ઉલટપુલત થયેલાં આંતરડાઓની શસ્ત્રક્રિયા પણ જીવકનાં નામે બોલે છે.

વ્યવહારિક પ્રશિક્ષણ (Practical Training) – શિક્ષાનું એક મહત્વપૂર્ણ ઘટક

પ્રયોગશાળાઓ પ્રાયોગાત્મક પરીક્ષણોથી (Practical Observations) ભરપુર રહેતી હતી. ઉદાહરણરૂપે વૈદકીયશાખામાં (Branches of Medicine) ઔષધીઓ, વનસ્પતિઓ અને તેનું જ્ઞાન મહત્વપૂર્ણ રહેતું. નિસર્ગ નો અભ્યાસ આતુરતાને જાગ્રત કરવા શ્રેષ્ઠ ગણાતો. વિદ્યાર્થી દ્વારા શીખેલી વિદ્યાનું પ્રદર્શન (Demonstration) અનિવાર્ય ગણાતું જેમકે જીવક દ્વારા દર્દીઓ પર થયેલી સફળ શસ્ત્રક્રિયાઓ. ઉપરાંત એવી પણ નોંધ છે કે અભ્યાસ પૂર્ણ થયા પછી વિદ્યાર્થીઓ દ્વારા પોતાનાં માતા-પિતા સન્મુખ પણ આ પ્રદર્શનો થતાં. શિક્ષણની યથાર્થતા (Practicality) ચકાસવા પુષ્કળ પરિભ્રમણ (Traveling) પણ આવશ્યક હતું જેનું સૂચન વિદ્યાકેન્દ્રો જ કરતાં. ખાસ કરીને શ્રીમંત પરિવારથી આવતાં વિદ્યાર્થીને માટે તે અનિવાર્ય હતું.

નાલંદા – વિદ્યાર્થીઓ માટે જ્ઞાનની દીવાદાંડી

હ્યુ-એન-સાંગ અને યિજીંગ જેવાં ચીની યાત્રીઓનાં લખાણો દ્વારા સૌથી વધુ વિગતો જેની મળે છે તે છે મગધનું નાલંદા વિશ્વવિદ્યાકેન્દ્ર. વિશ્વનાં ખૂણે ખાંચરેથી વિદ્યાપીપાસુઓ અહીં શિક્ષા પ્રાપ્ત કરવા આવતાં. નાલંદામાં પ્રવેશની અનુમતિ પ્રાપ્ત કરવી એ લેશમાત્ર પણ સરળ ન હતું. એમ પણ પ્રાચીન સમયમાં ખ્યાતિપ્રાપ્ત ગુરુનાં શિષ્ય બનવું સરળ ન જ હતું. હ્યુ-એન-સાંગના લખાણ પરથી ખબર પડે છે કે નાલંદાની પ્રવેશપરીક્ષા ઘણી જ કઠીન રહેતી. ભાગ્યે જ ૨૦% વિદ્યાર્થીઓ તેમાં ઉત્તીર્ણ (Pass) થઇ શકતાં અને તેમ છતાં નાલંદામાં ૮૫૦૦ વિદ્યાર્થીઓ અને ૧૫૦૦ શિક્ષકો હતાં. ઘણાં પ્રશિક્ષણ કેન્દ્રો પણ હતાં કે જે નાલંદાની પ્રવેશપરીક્ષા (Entrance Exam) માટે અભ્યાસ પૂરો પાડતાં કે જે આજની સ્પર્ધાત્મક પરીક્ષાઓનાં પ્રશિક્ષણ કેન્દ્રો (Coaching Institute) જેવાં ગણી શકાય.

નાલંદાનાં વિદ્યાર્થીઓનું સમાજમાં એક ઉચ્ચ સ્થાન રહેતું અને માનની નજરે જોવાતાં આ કારણે જ નાલંદાનાં પ્રમાણપત્રોની (Certificate) ખોટી નકલ પણ થતી. સાતમી શતાબ્દી સુધીમાં નાલંદાથી પ્રેરિત અન્ય ચાર વિદ્યાકેન્દ્રો બિહારમાં ઉપસ્થિત હતાં જે પારસ્પરિક સહયોગી હતાં અને તેમાંથી એક વિક્રમશીલા નામનું કેન્દ્ર દસમી સદી સુધીમાં નાલંદાનું સ્પર્ધક પણ બન્યું હતું.

વિષયોની બહોળી શ્રેણી નાલંદામાં ભણાવવામાં આવતી – દાર્શનિક (Philosophical), પ્રાયોગિક (Practical), વૈજ્ઞાનિક (Scientific), કલાત્મક (Artistic) અને અન્ય ઘણાં વિષયો. હ્યુ-એન-સાંગના પ્રમાણે, કે જેણે નાલંદામાં પાંચ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો, આ વિષયશ્રેણી એ સમયની શ્રેષ્ઠ વિષયશ્રેણી હતી. તેણે તે સમયનાં સર્વશ્રેષ્ઠ યોગગુરુ શીલભદ્ર પાસેથી યોગની શિક્ષા પ્રાપ્ત કરી હતી. ન્યાયશાસ્ત્ર, હેતુવીદ્યા, શબ્દશાસ્ત્ર અને પાણિનિનું સંસ્કૃત વ્યાકરણ પણ ભણ્યો હતો. હ્યુ-એન-સાંગે લખેલી એક આડવાત છે – કાંચીપુરમની યાત્રા વખતે તેને શ્રીલંકાનાં કેટલાંક શ્રેષ્ઠ મુનિ મળ્યાં હતાં જેમનાં પાસે યોગગ્રંથોની તપાસ કરતાં તે બધાં ગ્રંથો શીલભદ્રના જ્ઞાન આગળ વામણાં પુરવાર થયાં હતાં.

નાલંદાને મુખ્યત્વે ગુપ્ત અને કાળક્રમે હર્ષ અને પાલ રાજાઓનું સરક્ષણ પ્રાપ્ત થયું. તેમણે નાલંદાને કાયમની આવક (Endowment) બાંધી આપી હતી જેનાં કારણે નાલંદામાં ગગનચુંબી, બહુમાળી અને સુંદર ઇમારતો તથા પ્રભાત સમયે ધુમ્મસથી આચ્છાદિત રહેતી વેધશાળાઓનું (Observatories) નિર્માણ શક્ય બન્યું. હ્યુ-એન-સાંગના વર્ણન પ્રમાણે મુખ્ય પ્રવેશદ્વાર અને વિશાળ મેદાનો ફરતે એક ભવ્ય દીવાલનું નિર્માણ થયેલું હતું કે વિદ્યાકેન્દ્રની અંદર એક સાર્વજનિક પરસાળમાં ખુલતી અને ત્યારબાદની અન્ય આઠ પરસાળોમાં પણ ત્યાંથી જઈ શકાતું. ગગનચુંબી ઈમારતોનાં સૌથી ઉપરનાં ઓરડાઓ જાણે વાદળો સાથે વાતો કરતાં અને ત્યાંથી સૂર્યોદય, સૂર્યાસ્ત અને ચાંદનીરાત સમયે થતાં આકાશનાં આરોહ અવરોહ બખૂબી નિહાળી શકાતાં. આઠમી સદીનાં રાજા યશોવર્માનાં નાલંદા શિલાલેખમાં પણ આવું જ વર્ણન પ્રાપ્ત થાય છે કે નાલંદાનાં મઠોની શિખરશ્રેણી એવી ઉત્તુંગ જાણે કે વાદળોને ચુંબન ન કરતી હોય ! નીલવર્ણનાં કમળ અને ઘેરા લાલ રંગનાં કનક ફૂલોથી આચ્છાદિત ઊંડા અને પારભાસી તળાવ નાલંદાનાં મેદાનીસૌદર્યમાં અભિવૃદ્ધિ કરતાં હતાં જ્યારે ઘેઘૂર આંબાવાડીઓ સમગ્ર વિદ્યાપીઠને શીતળ છાયાથી અભિવાદિત કરતી હતી. સમૃદ્ધ ઈમારતોની બાહ્ય ભવ્યતા નાજુક અને કલાત્મક આંતરિક સુંદરતા સાથે અવર્ણનીય તાદામ્ય સાધતી હતી.

સંવાદ (Debate) – પ્રાચીન ભારતમાં શિક્ષાનું એક મહત્વપૂર્ણ અંગ

ભારતની દાર્શનિક પ્રણાલીમાં તર્ક અને સંવાદનું આગવું મહત્વ છે. આ જ પ્રણાલીએ ભવિષ્યમાં લોકશાહીને (Democracy) જન્મ આપ્યો જે હજુ પણ ભારતના નાનામાં નાના ગ્રામ્ય વિસ્તારમાં પણ જીવંત છે. આ જ પ્રણાલી આજે પણ વિવિધ સ્થળોએ, દૂરદર્શન (Television) તથા સરકારી વિધાનસભાઓમાં (Legislative Bodies) જોઈ શકાય છે અલબત્ત અધોગતસ્વરૂપમાં જ. તર્કશાસ્ત્ર અને સંવાદવિદ્યાનો ઉલ્લેખ રામાયણ, મહાભારત, મનુસંહિતા, સ્કન્દપુરાણ, યાજ્ઞવલ્ક્ય સંહિતા, છાંદોગ્ય ઉપનિષદ જેવાં અનેક પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે.

ગ્રંથોમાં સંવાદની પરિભાષા સુવિકસિત છે. સાધ્ય (સિદ્ધ કરવાનો વિષય), સિદ્ધાંત (ચર્ચાને અંતે પ્રાપ્ત થતો નિર્ણય), હેતુ (કારણ), ઉદાહરણ , સાધર્મ્ય (સમાનતા), વૈધર્મ્ય (અસમાનતા), પ્રત્યક્ષતા (Perception), અનુમાન (Inference) અને પ્રમાણ (Proof). સતીશચંદ્ર વિદ્યાભૂષણ તેમના “ભારતીય ન્યાયશાસ્ત્ર” પુસ્તકમાં મૈત્રેય નામના પ્રબુદ્ધ શિક્ષકનો ઉલ્લેખ કર્યો છે (ચીની ગ્રંથોમાં મિરોક) જે બુદ્ધના નિર્વાણનાં ૯૦૦ વર્ષ પછી થઇ ગયો. સંવાદશાસ્ત્ર પર લખેલી ટીકામાં તેણે કહ્યું છે કે સંવાદનો વિષય ઉપયોગી હોવો જોઈએ, અર્થહીન નહીં. ઉપરાંત, સંવાદ કોઈ વિદ્વાન અથવા પરિષદની હાજરીમાં થવો જોઈએ. સંવાદમાં હાર અને જીત નક્કી કરવા મૈત્રેયે ચોક્કસ નિયમો બનાવ્યા હતાં. સંવાદી અન્યોન્યનાં શાસ્ત્રોમાં પ્રવીણ (Proficient) હોય એ આવશ્યક હોવું જોઈએ. સંવાદ સમયે અભદ્ર ભાષા વર્જ્ય અને સંવાદીઓની માન-મર્યાદા ગ્રાહ્ય હોવી જોઈએ. સંવાદી અભય, સત્યવાદી અને અસ્ખલિત વક્તા હોવો જોઈએ. આજે પણ સારા વક્તા અને સંવાદી બનવા માટે વિશ્વમાં આ ગુણોને જ પ્રાધાન્ય અપાય છે.

હ્યુ-એન-સાંગના પ્રમાણે, નાલંદામાં વખતોવખત વિદ્યાર્થીઓ દ્વારા બુદ્ધિમતાની પરીક્ષા અને તુલના હેતુ આવા સંવાદો આયોજિત થતાં હતાં અને વિચારો, સિદ્ધાંતો, તર્ક, દાર્શનિક તત્વો અને વિષયને પદ્ધતિસર પ્રસ્તુત કરનારને યોગ્ય પારિતોષિકથી સન્માનિત પણ કરાતાં. પ્રાચીન ભારતમાં મુક્ત ચર્ચા અને તર્કસંગત સંવાદને ઉત્તેજન અને પોષણ આપવામાં આ વિદ્યાકેન્દ્રોનો સિંહફાળો હતો. હ્યુ-એન-સાંગ પછી આવેલાં આઈ-સીંગ (I-Tsing) અને અન્ય ચીની વિદ્યાર્થીઓ દર્શાવે છે કે તે સમયનાં ભારતીય રાજાઓ આવી બુદ્ધિગમ્ય અને તર્કગમ્ય ચર્ચાઓ અને સંવાદો આયોજિત કરવાનાં શોખીન હતાં અને વિજેતા પંડિતો અને વિદ્વાનોને યોગ્ય સન્માન અને પારિતોષિકથી અભિવૃદ્ધ પણ કરાતાં.

નાલંદા વિદ્યાપીઠમાં પ્રસિદ્ધ, સમૃદ્ધ અને દુર્લભ હસ્તપ્રતોથી સભર એક વિશાળ ગ્રંથાલય પણ હતું. આઈ-સીંગ જણાવે છે કે ગ્રંથાલયનાં ત્રણ મુખ્ય ભવન હતાં – રત્નસાગર, રત્નદધિ અને રત્નરંજક. રત્નસાગર નવ માળનું ભવન હતું જે પવિત્ર ગ્રંથોનો સમન્વય અને સમુચ્ચય (Aggregation)  હતું. માત્ર કલ્પના તો કરી જુઓ કે આ ગ્રંથાલયોની ભવ્યતા અને પવિત્રતા કેટલી હશે !

વિદ્યાકેન્દ્રો વચ્ચે સ્પર્ધા અને સહકાર

ગુજરાતની વલ્લભી વિશ્વવિદ્યાપીઠ નાલંદાની સમકક્ષ અને સીધી સ્પર્ધક હતી. આ વિદ્યાપીઠ તેનાં વિવિધ વિષયો માટે પણ જાણીતી હતી. વિશ્વનાં ખૂણે ખૂણે થી વિદ્યાર્થીઓ ત્યાં આવતાં જેઓ સ્નાતક (Graduate) થયા પછી ઉચ્ચ હોદ્દાઓ પ્રાપ્ત કરતાં.

આઠમી સદીમાં ધર્મપાલ રાજાએ બંધાવેલી વિક્રમશીલા વિદ્યાપીઠ પણ નાલંદાની સ્પર્ધક હતી તેમ છતાં સહયોગી પણ હતી. કહેવાય છે કે તિબેટની સંસ્કૃતિને ઓપ આપનાર ઘણાં વિદ્વાનો આ વિદ્યાપીઠનાં વિદ્યાર્થીઓ હતાં. તેમાં મુખ્ય હતા દીપાંકર શ્રીજ્ઞાન.

ન્યાયશાસ્ત્ર અને વિજ્ઞાનનાં વિષયોમાં પ્રખ્યાત મિથિલા વિશ્વવિદ્યાપીઠ પણ હતી. ઈતિહાસકારોનાં પ્રમાણે આ વિદ્યાપીઠમાં પીરસાતાં જ્ઞાન અને માહિતીનું પ્રદાન બાહ્યવિશ્વને ચોરીછૂપીથી કરવું એ લોઢાનાં ચણા ચાવવા જેવું દુષ્કર હતું. વિદ્યાર્થીઓ માટે ઘણાં જ કડક નિયમો હતાં જેનાં પરિણામે વર્ગખંડમાં ભણાવાતાં વિષયોની નોંધ કે ગ્રંથ કે વળી પુસ્તક પણ વર્ગની બહાર લાવવાની મનાઈ હતી. વિદ્યાર્થીઓ માત્ર તેમની સ્નાતક અને અનુસ્નાતકની (Diploma) પદવીઓ (Educational Degrees) જ લઇ જઈ શકતાં.

મિથિલાનો એકાધિકાર (Monopoly) તોડ્યો નદિયા વિશ્વવિદ્યાપીઠે જે ન્યાયશાસ્ત્રના અભ્યાસ માટે જાણીતી હતી. એવી દંતકથા છે કે ૧૫મી સદીમાં જ્યારે વાસુદેવ સાર્વભૌમને મિથિલામાં કોઈ ગ્રંથની નકલ કરતાં રોકવામા આવ્યા ત્યારે તેઓ સંપૂર્ણ “તત્વચિંતામણી” અને “કુસુમાંજલિ” નો અમુક ભાગ યાદ રાખીને નદિયામાં જોડાયા. ત્યાં તેમણે આ ગ્રંથોને કાગળ પર ઉતાર્યાં અને ન્યાયશાસ્ત્રની એક નવી જ શાખાનો આરંભ કર્યો. થોડા જ સમયમાં નદિયા મિથિલાથી પણ વધુ ખ્યાતનામ બનીને ઉભરી.

ઉજ્જૈની વિશ્વવિદ્યાપીઠ – વિજ્ઞાનીઓ, ખગોળવિદો અને ગણિતશાસ્ત્રીઓ એક સમયે જ્યાં ભમરાની જેમ મંડરાતાં

ખગોળશાસ્ત્ર (Astronomy) અને ગણિતશાસ્ત્રમાં (Mathematics) ઉજ્જૈની (આજનું ઉજ્જૈન) વિશ્વવિદ્યાપીઠે સમગ્ર વિશ્વમાં પોતાની એક અલગ ઓળખ પ્રસ્થાપિત કરી હતી. ત્યાં શૂન્ય અક્ષાંશ (0 ̊ Latitude) પર એક વેધશાળા (Observatory) સ્થપાયેલી હતી જે વિશ્વની મુખ્ય યામ્યોત્તર રેખા (Prime Meridian) ગણાતી હતી. યુરોપિયનોએ જો વિશ્વવિજ્ઞાનની ધૂરા પોતાનાં હાથમાં ન લીધી હોત તો હજુ આજે પણ ઉજ્જૈન જ મુખ્ય યામ્યોત્તર રેખા હોત, નહીં કે શૂન્ય રેખાંશ (0 ̊ Longitude) પરનું ઇંગ્લેન્ડનું ગ્રીન્વીચ.

વિખ્યાત ખગોળશાસ્ત્રી બ્રહ્મગુપ્ત ઉજ્જૈનીનો જ હતો કે જેણે વરાહમિહિરની પરંપરા આગળ ધપાવી હતી. તેણે ત્રિકોણમિતી (Trigonometry) નાં સિદ્ધાંત, વર્ગાત્મક સમીકરણ (Quadratic Equation), ચક્રાકાર અને ચતુર્ભુજનું ક્ષેત્રફળ (Area of cyclic & Quadrilateral) અને સમાંતર શ્રેણી (Arithmetic Progression) જેવાં ગણિતનાં ઘણાં ક્ષેત્રોમાં ખેડાણ કર્યું હતું. ઉપરાંત તેણે આર્યભટ્ટનું જ્યા-કોષ્ટક (Sine Table) પણ સુધાર્યું હતું. વિશ્વમાં સર્વપ્રથમ, દશાંશચિહ્ન (Place Value Holder) ઉપરાંત, શૂન્યને એક સંખ્યારૂપે સ્વીકારવાનો શ્રેય બ્રહ્મગુપ્તને જાય છે. “બ્રહ્મસ્ફુટસિદ્ધાંત” નામના તેના ગ્રંથમાં શૂન્યનો એક સંખ્યારૂપે ઉલ્લેખ છે. એક સંખ્યારૂપે શૂન્યનાં પ્રાથમિક સમીકરણો જેવાંકે ૧+૦=૧, ૧-૦=૧ અને ૧x૦=૦ તેણે પ્રસ્થાપિત કર્યાં હતાં. બગદાદના ખલીફા અલ-મન્સુર સુધી બ્રહ્મગુપ્તની આ સિદ્ધિઓ પહોંચી જ્યાંથી પછી આ જ્ઞાન યુરોપ પહોચ્યું.

બ્રહ્મગુપ્ત પછી ઉજ્જનીના મુખ્ય ખગોળશાસ્ત્રી બનનાર ભાસ્કરાચાર્ય દ્વારા આ પરંપરા વધુ આગળ ધપાવાઈ. સિદ્ધાંતશિરોમણી અને લીલાવતી જેવાં ગણિત અને ખગોળશાસ્ત્રનાં ઉત્તમ ગ્રંથના રચયિતા તે આ જ ભાસ્કરાચાર્ય. જે.જે.ઓ’કોનર અને ઇ.એફ. રોબર્ટસન દ્વારા “ન્યૂ વર્લ્ડ એનસાયક્લોપીડિયા” માં નોંધ કરાઈ છે કે ભાસ્કરાચાર્યે જે સિદ્ધ કર્યું હતું ત્યાં સુધી પહોંચતા આધુનિક યુરોપને ઘણાં વર્ષ લાગ્યાં હતાં. દશાંશ પદ્ધતિના (Decimal Numbering System) ઉપયોગથી ગણિતનો ગ્રંથ લખનાર સર્વપ્રથમ ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્ય હતા. વિકલન ગણિત (Differential Calculus) નાં જનક ભાસ્કરાચાર્ય જ મનાય છે જેમણે યુરોપનાં ન્યુટન અને લેઈબ્નીઝ આવ્યાંની સદીઓ પૂર્વે તેનો વિનિયોગ (Application) પણ બતાવ્યો હતો. ઇસ્લામિક ગણિતજ્ઞો પણ ભાસ્કરાચાર્યથી અત્યંત પ્રભાવિત હતાં. (ક્રમશઃ)

દક્ષિણ ભારતની મંદિર-વિદ્યાપીઠો, વૈશ્વિક જ્ઞાનધારાને પ્રભાવિત કરવામાં ભારતીય વિદ્વાનોનો ફાળો અને સંસ્થાનિક સમયમાં નબળી પડેલી ભારતીય શિક્ષણ વ્યવસ્થા – લેખના બીજા ભાગમાં જોઈશું.

Feature Image: http://www.punjabkesari.in

Disclaimer: The facts and opinions expressed within this article are the personal opinions of the author. IndiaFacts does not assume any responsibility or liability for the accuracy, completeness, suitability, or validity of any information in this article.