ભારત – વૈશ્વિક શૈક્ષણિક શિખરથી નિરક્ષરતાની ખીણ સુધી – ભાગ ૨

વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચતર શિક્ષણ આપતાં ભારતનાં પ્રાચીન વિદ્યાકેન્દ્રોનો લેખ ગતાંકથી ચાલુ. આ બીજા ભાગમાં જોઈશું – ભારતનાં મંદિર-વિદ્યાકેન્દ્રો, સ્નાતક સમારોહ, વિદ્વાનોને મળતી આર્થિક સહાય અને ભારતની મુખ્ય ભૂમિથી બહાર થયેલું જ્ઞાનનું પ્રસારણ.

The article has been translated by Hiren Dave (@HerryDev12)

વિકલ્પો જ વિકલ્પો

પ્રાચીન ભારતમાં વિદ્યાર્થી પાસે, પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી, ઉચ્ચતર અભ્યાસ કરવા માટે પોતાની અભિરુચિ પ્રમાણે, ઘણાં વિકલ્પો રહેતાં – વેદ, ન્યાય/તર્કશાસ્ત્ર, વૈદકીય, વિજ્ઞાન, સંગીત કે પછી અન્ય કોઈ પણ શાખા. જેમ કે સંગીતમાં વિશેષ રુચિ હોય તો વારાણસી જઈ શકાતું. જો કોઈ મિત્ર ને વારાણસીના ખગોળવિદ્યાકેન્દ્રમાં અભ્યાસ કરવામાં રુચિ હોય તો વિદ્યાર્થીઓ સજોડે વારાણસી જતાં. જો કે વિદ્યાકેન્દ્રો સુધી પહોંચવાનાં રસ્તાઓ જંગલમાંથી પસાર થતાં હોવાથી આ પ્રવાસ ઘણો જ દુષ્કર રહેતો. ૪ કે ૧૨ વર્ષ પછી, ઉચ્ચ અભ્યાસ પૂર્ણ થયા બાદ, બાળકોનું પ્રત્યાગમન ઉજવણીથી ઓછું ન મનાતું.

કથાસરિત્સાગરમાં એક બ્રાહ્મણનો ઉલ્લેખ છે જેણે પોતાના પુત્રના ઉચ્ચ અભ્યાસ માટે નજીકનાં વારાણસી કે નાલંદાને સ્થાને દૂરનાં ગુજરાતનાં વલ્લભી કેન્દ્ર પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો (બોઝ, ૧૯૯૦). વલ્લભીનાં સ્નાતકોનો ઝોક સરકારી નોકરીઓ પ્રત્યે વધુ રહેતો. બુદ્ધોના હીનયાન પંથ અને અન્ય ધાર્મિક વિષયો ઉપરાંત નીતિ અને વાણિજ્ય નો અભ્યાસ પણ વલ્લભીમાં આકર્ષણનું કેન્દ્ર હતાં (આપ્ટે).

ભવભૂતિ (આઠમી સદી) વિરચિત “માલતીમાધવ” નામના સંસ્કૃત નાટકમાં સહશિક્ષણનો સંદર્ભ પણ પ્રાપ્ત થાય છે જેમાં પદ્માવતી નામનાં વિદ્યાકેન્દ્રમાં, કમંદકી નામની છાત્રા, ભૂરીવાસુ અને દેવરત નામનાં છાત્રોની સહેલી બતાવાઈ છે. આ ત્રણેય પાત્રો અલગ અલગ પ્રદેશનાં વતની હતાં (મિરાશી, ૧૯૯૬).

આ સમયમાં છાત્રો અને શિક્ષકોનું એક થી બીજી વિદ્યાપીઠોમાં ઉલ્લેખનીય સ્થળાંતર જોવા મળે છે. આ જ કારણે પશ્ચિમની વલ્લભી વિદ્યાપીઠનાં સ્થિરમતિ અને ગુણમતિ પૂર્વની નાલંદામાં પણ જોવા મળે છે. દક્ષિણ સ્થિત કાંચીપુરમનાં વતની દિન્નાગ અને ધર્મપાલ નાલંદામાં વિદ્વત્તા પ્રાપ્ત કરે છે. વિક્રમશીલાના પ્રાધ્યાપક રત્નવજ્ર કશ્મીરી છે. રાજા હર્ષના આદેશથી નાલંદામાં શિક્ષણ પ્રાપ્ત કરનાર ચીની છાત્ર હ્યુ-એન-સાંગ ઓડીશામાં અધ્યાપન કરે છે (મુખરજી, ૧૯૬૦). ઉજ્જૈનમાં અધ્યાપન કરનાર વિખ્યાત ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્ય દક્ષિણના બીજાપુરથી આવતા હતા (પુટ્ટસ્વામી, ૨૦૧૨). ચોક્કસપણે વિદ્વાનોનું આવાગમન સ્વજિજ્ઞાસા અને રસનાં વિષયોને લઇને આ વિદ્યાકેન્દ્રોમાં થયેલું જોવા મળે છે.

rishi

[મધ્ય ભારતમાં ઉજ્જૈનની ખગોળશાસ્ત્રની વેધશાળાના પ્રમુખ ભાસ્કરાચાર્ય દક્ષિણ ભારતના બીજાપુરના વતની હતા]

ઉચ્ચશિક્ષણ માટે આર્થિક સહાય

વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને ત્યાંના રાજા તથા વિદ્યાકેન્દ્રની આસપાસનાં શ્રેષ્ઠીઓ દ્વારા અપાતી આર્થિક સહાય આ શિક્ષણ વ્યવસ્થાનું મહત્વનું બિંદુ હતું. હ્યુ-એન-સાંગની નોંધ પ્રમાણે નાલંદા આ પ્રકારની વિદ્યાપીઠ હતી. આજુબાજુનાં લગભગ ૧૦૦ ગામોની આવકથી નાલંદા વિદ્યાકેન્દ્રનો ખર્ચો નીકળતો. વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને કપડાં, ભોજન, દવા જેવી જીવન જરૂરી વસ્તુઓ વિના મૂલ્યે મળતી (મુખરજી, ૧૯૬૦).

જો કે જાતક કથાઓ પ્રમાણે, તક્ષશિલામાં ભણતર પ્રાપ્ત કરવા માંગતા વિદ્યાર્થીઓને શુલ્કની ચુકવણી અભ્યાસ શરુ થતા પહેલાં જ કરવી પડતી. શુલ્કની ચુકવણી ન કરી શકવાની સ્થિતિમાં અધ્યાપકોને સેવા પૂરી પાડવી પડતી જેમ કે જંગલમાંથી લાકડાં વીણી લાવવાં. મોટાભાગનાં બ્રાહ્મણ વિદ્યાર્થીઓ, અત્યંત ગરીબ હોવાને કારણે, સેવાનાં માધ્યમથી જ અભ્યાસ પૂર્ણ કરતાં. અભ્યાસ પૂર્ણ થયા પછી પણ શુલ્કની ચુકવણી કરી શકાતી જેનાં માટે વિદ્યાર્થીઓ અન્ય ગૃહસ્થ-પરિવારોની મદદ પણ લેતાં. વિદ્યાર્થીઓ દ્વારા છાત્રવૃત્તિ પ્રાપ્ત થવા પર શુલ્કની ચુકવણીથી મુક્ત થઇ શકાતું. આસપાસનાં ગૃહસ્થ પરિવારો દ્વારા ઉદારપણે આ વિદ્યાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા પણ થતી (મુખરજી, ૧૯૬૦).

આમ, શિક્ષણને આધાર આપવા માટે એક સુવ્યવસ્થિત વાતાવરણ હતું. સમયની માંગ અને સમાજ વ્યવસ્થાનાં એક ભાગ રૂપે બ્રાહ્મણોને ભૌતિકવાદથી દુર રહીને અને ધનસંચય કર્યા વિના જ્ઞાનની યાત્રા કરવાની હતી આથી જ સમાજનાં બીજા વર્ગો (વણિક, ખેડૂત અને અન્ય ધનીક) વિદ્યાર્થીઓના ભણતરનો ખર્ચ હોંશે હોંશે ઉઠાવવા તત્પર રહેતાં (હઝરા, ૧૯૮૭).

સ્નાતક થવાની ભારતીય પ્રણાલી – સંવર્તન

જ્ઞાન અને ભણતરની વિપુલતા ને કારણે પ્રાચીન ભારતમાં સ્નાતક થવાની પણ નિશ્ચિત વિધિ અને પ્રણાલી (સંવર્તન અથવા સ્નાન) – પ્રવર્તમાન હતી જે આશ્ચર્યની વાત નથી. અન્ય વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થી દ્વારા ગુરુદક્ષિણા અર્પણ થતી. પછી ગુરુ દ્વારા તૈતરીય ઉપનિષદમાંથી સ્નાતક વિધિનું ગાન થતું, હોમ થતો અને છેલ્લે પ્રણાલીગત સ્નાન થતું (કાણે, ૧૯૪૧).

સ્નાતક ધર્મનો આંશિક અનુવાદ આ પ્રમાણે છે –

 

સત્યથી ક્યારેય ચલિત ન થવું.

 

ધર્મથી ક્યારેય ચલિત ન થવું.

 

પોતાનાં ક્ષેમકુશળની અવગણના ક્યારેય ન કરવી.

 

વૈશ્વિક પ્રવૃત્તિઓની અવગણના (સમાજકલ્યાણ હેતુ) ક્યારેય ન કરવી.

 

સ્વાધ્યાય અને વેદપ્રવચનની અવગણના ક્યારેય ન કરવી.

 

આપણે બધાં આ પ્રખ્યાત શ્લોકથી પરિચિત છીએ –

માતૃદેવો ભવ.

પિતૃદેવો ભવ.

આચાર્યદેવો ભવ.

અતિથિદેવો ભવ.

માતા, પિતા, આચાર્ય અને અતિથિ ને દેવતુલ્ય ગણાવતો આ શ્લોક તૈતરીય ઉપનિષદનો છે જેનું ગાન પણ સંવર્તન સમયે થતું. પૂર્ણ જ્ઞાન અને ગુરુનાં આશીર્વાદથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરતો જ્ઞાનપિપાસુ વિદ્યાસ્નાતક (જેણે શિક્ષામાં સ્નાન કર્યું છે) જીવનના બીજા પડાવો માટે તૈયાર રહેતો – અધ્યયન અને વિવાહ.

ભારતનાં મંદિર-વિદ્યાકેન્દ્રો

Untitledપ્રાચીન ભારતનાં મંદિરો ઘણીવાર જ્ઞાનના પ્રસાર અને ચર્ચા માટેનાં કેન્દ્ર બનતાં. ઋગ્વેદમાં વર્ણિત વૈદિક સાહિત્યનાં ગર્ભ સમાન તત્વજ્ઞાન/દર્શન/જીવનદ્રષ્ટિ વિગેરેની યાત્રા, મહાજ્ઞાનીઓ તથા પંડિતોની સભા અને મેળાવડાઓથી, અહીં અતૂટ રહેતી. આવાં સહાયસમૃદ્ધ મંદિરોએ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને આકર્ષવાનું કામ કર્યું જેનાં પ્રતાપે વિવિધ ક્ષેત્રોનાં બૌદ્ધિકો અને દાર્શનિકોની વસાહતો તૈયાર થઇ.

ઉચ્ચતર શિક્ષણને કઈ હદે સંસ્થાગત રૂપ પ્રાપ્ત થયું હતું તેનાં પ્રમાણ દક્ષિણ ભારતનાં મંદિરોમાંથી પ્રાપ્ત થતાં શિલાલેખ/લખાણો બતાવે છે. તામિલનાડુનું એન્નાયીરમ આવું જ એક સ્થળ છે જ્યાંથી પ્રાપ્ત થયેલ ઉત્કીર્ણ લખાણ ભણાવાતાં વિષયો, વિદ્યાર્થીઓની સંખ્યા, રાજા દ્વારા અપાતાં સાલીયાણા વિગેરેની ઝીણામાં ઝીણી વિગતો દર્શાવે છે. ઉદાહરણરૂપે, રાજેન્દ્ર ચોલ – ૧ (૧૧મી સદી)ના સમયનો લેખ વેદનાં શિક્ષાકેન્દ્રનાં ૩૪૦ વિદ્યાર્થીઓને મળતી વાર્ષિક સહાયની વિગતો આપે છે. આ કેન્દ્રને ૪૫ વેલી (૩૦૦ એકર) ભૂમિ મળેલી હતી. પ્રત્યેક વિદ્યાર્થીના એક દિવસના અભ્યાસનું મૂલ્ય ઉપાર્જિત થતાં ધાન્ય અને પ્રાપ્ત થતી સુવર્ણમુદ્રાઓથી તોળાતું હતું. વેદાંત, મીમાંસા અથવા વ્યાકરણશાસ્ત્રમાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ૬૬% વધુ સહાય પ્રાપ્ત થતી. એક શિક્ષકને પ્રાપ્ત થતું એક દિવસનું ભોજનભથ્થું ૧૬ વિદ્યાર્થીઓ બરાબર હતું. મળી આવેલ લેખ નોંધે છે કે ઋગ્વેદનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હતાં ૭૫, યજુર્વેદનાં ૭૫, અથર્વવેદનાં ૧૦, છાંદોગ સામનાં ૨૦, તાલાવકાર સામનાં ૨૦, વાજસનેયનાં ૨૦, વ્યાકરણનાં ૨૫, પ્રભાકર મીમાંસાનાં ૩૫, બૌધાયન ગૃહ્ય, કલ્પ અને ગણનાં ૧૦, રુપાવતારનાં ૪૦ અને ૧૦ વેદાંતના (મુખરજી, ૧૯૬૦). ૨૦૧૩માં પુરાતત્વવેત્તાઓ દ્વારા મંદિરના ભંડાકિયામાંથી બીજા ઘણાં અભિલેખ શોધી કઢાયાં છે (સુબ્રમણ્યન, ૨૦૦૩). નિ:શંકપણે હજુ ઘણું જ શોધાવાનું બાકી છે.

Untitled

વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય પણ અછૂતું ન હતું. અમુક લેખો રુગ્ણાલય-સમૃદ્ધ વિદ્યાકેન્દ્રોનો નિર્દેશ પણ કરે છે. એક રુગ્ણાલય નો ઉલ્લેખ છે જેમાં ૧૫ પથારીઓ, એક સામાન્ય ચિકિત્સક, એક શલ્ય-ચિકિત્સક, બે પટાવાળા અને બે સ્ત્રી સેવિકાઓ હતી.

ઉપરાંત, ત્યાં હરીતકી, વજ્રકલ્પ, કલ્યાણલવણ જેવી ઔષધિઓ પણ રખાતી (મુખરજી, ૧૯૬૦).

પ્રાચીન ભારતનાં ઉત્કૃષ્ટ પ્રશિક્ષણ કેન્દ્રો

આ વિદ્યાકેન્દ્રોમાં મંદિરો સિવાય ઘટિક, અગ્રહાર અને મઠનો પણ સમાવેશ થાય છે. વિદ્વાન આચાર્યોનો સમૂહ ઘટિક કહેવાતો જે વૈદિક તત્વોની ચર્ચા માટે હતો. કાંચીપુરમને વૈદિક શિક્ષણનું કેન્દ્ર બનાવવામાં આ ઘટિકોનો સિંહફાળો હતો. રાજાની પસંદગીમાં પણ તેમનો મત મહત્વપૂર્ણ રહેતો. તમિળ સાહિત્યમાં ઉત્કૃષ્ટ સર્જન કરનારાં ઘણાં કવિ-વિદ્વાન, સંત-દાર્શનિક કાંચીપુરમ (કાંચી) સાથે સંકળાયેલાં હતાં (રાવ, ૨૦૦૮). પાછળ જોયું એ પ્રમાણે, તેજસ્વી શિક્ષકો અધ્યયન હેતુ ભારતનાં અન્ય વિખ્યાત વિદ્યાકેન્દ્રોમાં પણ પહોંચ્યા.

અગ્રહાર – વિદ્વાન બ્રાહ્મણોનોની વસાહત જે પોતાનાં ઘડેલાં નિયમો પ્રમાણે ચાલતી અને તેને દાનપ્રાપ્તિ થતી સમાજનાં અન્ય ધનિક વર્ગોથી. મઠ પણ અગ્રહારની જેમ જ આધુનિક શિક્ષણનું એક મહત્વનું કેન્દ્ર હતું (મુખરજી, ૧૯૬૦).

દક્ષિણ ભારતમાંથી મળી આવતાં અભિલેખોમાં અગ્રહારને સહાય કરવા અપાયેલાં ગામોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે જેમાં બ્રાહ્મણોની સંખ્યા ૧૦૮ કે ૩૦૮ જોવા મળે છે. આ ગામોથી પ્રાપ્ત થતી આવકનો ઉપયોગ ભણતર અને પ્રશિક્ષણમાં થતો, જેમાં “સરસ્વતી ભંડાર” જેવા ગ્રંથાલય પણ ઉભા કરાતાં (મુખરજી, ૧૯૬૦). આ વિદ્વાન બ્રાહ્મણો મોટાભાગે ચતુર્વેદી, ત્રિવેદી, સોમયજ્ઞી, ષડંગવિદ, ભટ્ટ, ક્રમવિદ, સર્વક્રતુયજ્ઞી અને વાજપેયી રહેતાં. મુખરજી આનાં વિશે કહે છે કે –

 

“આ વસાહતો પ્રકાશ અને જીવનનાં કેન્દ્ર સમાન હતી જે સૈદ્ધાંતિક અને વ્યાવહારિક જ્ઞાનનું તાદાત્મ્ય દર્શાવતી. ઇન્દ્રિયજન્ય-જ્ઞાન અને મૂલ્યોની સાર્થકતા ઉદાહરણ તથા આચરણના માધ્યમથી કેવી રીતે સમજી શકાય તે પણ દર્શાવતી. અહીં, જીવન એક ભણતર ગણાતું અને સત્ય તથા ધર્મ દૈનિક જીવનનાં શ્વાસ ગણાતાં.”

 

ભારતીય પ્રણાલી અને આધુનિક શિક્ષણના સંદર્ભમાં કેરળનાં ગણિત અને ખગોળશાસ્ત્રનાં કેન્દ્રોનો (૧૪થી ૧૫મી સદી) ઉલ્લેખ કરવો ઘટે. કેરળના ત્રિશ્શૂરની આસપાસનાં વિસ્તારોમાં કેન્દ્રિત ગણિતની સમૃદ્ધ શાખા નામ્બૂદીરી બ્રાહ્મણોમાં વિકસિત થઇ. તેમણે અનંત શ્રેણી શોધી કાઢી જેણે કલનશાસ્ત્રનો પાયો નાખ્યો, ન્યુટન આવ્યાનાં વર્ષો પૂર્વે. એવા પુરાવાઓ પણ સાંપડે છે કે ૧૫મી સદીમાં ભારત આવેલ ખ્રિસ્તી ધર્મપરિવર્તક મંડળીઓ કેરળથી આ ગણિતને યુરોપ લઇ ગઈ (જોસેફ, ૨૦૦૦).

 

કેરળનાં તેજસ્વી વિદ્વાનોને આકર્ષિત કર્યા હતા ખગોળશાસ્ત્રનાં રહસ્યોએ. The Crest of Peacock – The Non-European Roots of Mathematics નામના પોતાના પુસ્તકમાં જ્યોર્જ ઘેવર્ઘીઝ જોસેફ નોંધે છે કે આ બધાં ગણિતજ્ઞ માટે ગણિત પ્રત્યેનો પ્રેમ જ સર્વોપરી હતો. નહીંતર માધવ (કેરળ ગણિતશાળાનો સ્થાપક) શા માટે જ્યા-કોષ્ટકોની બાર સુધીનાં દશાંશ અંકની કડાકૂટમાં પડે ?

 

કેરળ શાળા સાથે સંલગ્ન વિખ્યાત નામ હતાં – પરમેશ્વર, નીલકંઠ સોમયાજી, જ્યેષ્ઠદેવ, અચ્યુત પીશારતી, મેલ્પાથુર નારાયણ ભટ્ટતીરી અને અચ્યુત પાણીકર. આમાંથી ઘણાં બ્રાહ્મણ પણ ન હતાં. ઘણાં અન્ય વિદ્વાનો હીનકુળ કે શુદ્રજાતિમાંથી પણ આવતાં જેઓ ગણિતમાં પાવરધાં રહેતાં. આ દર્શાવે છે કે આજનાં સંશોધકો દ્વારા આધુનિક સમાજને ઓઢાડવામાં આવેલ વર્ણવ્યવસ્થાના આંચળામાં આ પ્રાચીન સમાજ બંધ બેસતો ન હતો.

 

જ્ઞાનનું સ્થળાંતર – ભારતથી ચીન સુધી

ઈસુની પ્રથમ સદીમાં ચીનનાં સમ્રાટ મિંગ-તી દ્વારા ૧૮ વ્યક્તિઓને બુદ્ધનાં સિદ્ધાંતો સમજવા માટે ભારત મોકલાયાં હતાં. તેઓ જ્યારે પાછાં આવ્યા ત્યારે તેમની સાથે હતાં – ગ્રંથો અને બે વિદ્વાનો, કશ્યપ માતંગ અને ધર્મરત્ન. કશ્યપે ગાંધારથી ચીનનો પ્રવાસ ખેડ્યો હતો, ચીની સમ્રાટના આમંત્રણ પર, જે ઘણો જ મુશ્કેલ રહ્યો હતો. ભાષાની પણ મુશ્કેલી પડી હતી અને ચીનના સૂકા તુર્કસ્તાન પ્રદેશ અને અફાટ ગોબીના રણમાંથી પણ તે પસાર થયો હતો. જો કે આ બન્ને વિદ્વાનોને પ્રતાપે ભારતથી ચીન સુધીનો માર્ગ વિદ્યાર્થીઓ માટે ખુલી ગયો હતો. ઘણાં ભારતીય અધ્યાપકોએ ચીન સુધીનો પ્રવાસ ખેડ્યો અને સંસ્કૃતની અનેક હસ્તપ્રતો આ જ માર્ગથી ચીન સુધી પહોંચી પણ ખરી. સંઘવર્મા, ધર્મસત્ય, ધર્મકાલ, મહાબલ, ધર્મફલ, કાળસીવી, કાળરુચી અને લોકરક્ષ પ્રસિદ્ધ ભારતીય વિદ્વાનો હતાં જેમણે ચીનનો પ્રવાસ ખેડ્યો હતો.

બુદ્ધના પ્રભાવવાળા કાશ્મીરે પણ ઘણાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ધરાવતાં વિદ્વાનો ચીનને આપ્યા. આવો જ એક વિદ્વાન હતો કાશ્મીરનાં રાજકુળમાંથી આવતો ગુણવર્મન, જેણે સૌ પ્રથમ સિલોન (શ્રીલંકા) અને જાવા (ઇન્ડોનેશિયા) જઈને ખ્યાતિ પ્રાપ્ત કરી અને પછી ચીની સમ્રાટના આમંત્રણ પર ચીન ગયો હતો. રાજા તેનો શિષ્ય બન્યો અને તેનું એક મંદિર પણ બાંધ્યું. દક્ષિણ ભારતનાં પણ ઘણાં વિદ્વાનોને ચીન જવાનો મોકો સાંપડ્યો. ધર્મરુચિ, જે ચીનમાં ઈ.સ. ૬૯૩ – ૭૧૩ સુધી રહ્યો અને લગભગ ૫૩ જેટલાં ગ્રંથોનું ભાષાંતર ચીની ભાષામાં કર્યું (મુખરજી, ૧૯૬૦).

સંસ્કૃતનાં હજારો ગ્રંથોનો ચીની ભાષામાં અનુવાદ કરવાનો ભગીરથ પ્રયાસ થયો જેમાં ભારતીય વિદ્વાનો ઉપરાંત ચીની બૌદ્ધિકોનો પણ ફાળો નાનો ન હતો. અનુવાદની આ યાત્રાએ બન્ને ભાષાને સમૃદ્ધ અને વિશિષ્ટ બનાવવામાં ઘણી મદદ કરી. ઘણાં વિદ્વાનોએ તેમની અનુવાદની આ યાત્રાને લેખિત ઓપ પણ આપ્યો જેથી આવનારી પેઢીઓ આ અત્યંત વિકટ છતાં ઉપયોગી કાર્યને સમજી શકે. વજ્ર-છેદીકા-પ્રાજ્ઞ-પરમીતા (વિખ્યાત હીરક સૂત્ર) એ ચીનમાં મુદ્રિત થનારો પ્રથમ ભારતીય ગ્રંથ હતો, જેને ઈ.સ. ૪૦૨માં કુમારજીવે ચીની ભાષામાં અનુવાદિત કર્યો હતો. કુમારજીવની પ્રતિભા અસાધારણ હતી. તેણે કાશ્મીર, કાશઘર અને કૌચમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. કહેવાય છે કે કૌચ અને ચીનના સમ્રાટ વચ્ચે કુમારજીવની સેવા પ્રાપ્ત કરવા હેતુ યુદ્ધ થયું હતું. ૧૨ વર્ષોમાં તેણે ૧૦૦ થી પણ વધુ સંસ્કૃતગ્રંથોનો અનુવાદ ચીની ભાષામાં કર્યો જે ચીની સાહિત્યમાં એક ઉત્કૃષ્ટ સર્જન મનાય છે. જગવિખ્યાત ચીની યાત્રાળુ ફા-હિયાનના શિક્ષક પણ કુમારજીવ જ હતા.

Untitled

અન્ય ભારતીય વિદ્વાન ધર્મક્ષેમ જો કે કુમારજીવ જેટલો નસીબદાર ન હતો. તેની સેવા પ્રાપ્ત કરવા થયેલા યુદ્ધમાં અંતે તેનો વધ થયો હતો. અમોઘવર્ષ જેવા, મેધાવી અને નિત્ય જેની રાજાઓ દ્વારા માંગ રહેતી, વિદ્વાનોનો સંદર્ભ પણ પ્રાપ્ત થાય છે જેમણે પ્રજ્ઞામોક્ષનું ઉપનામ પ્રાપ્ત થયું હતું. ઈ.સ. ૭૪૯માં ભારતના સમુદ્રકાંઠે હજુ તેમણે પગ જ મુક્યો હતો અને ચીની સમ્રાટના કહેણ પર તેમણે ચીન પાછું જવું પડ્યું હતું ! તેમણે ભારતમાંથી લગભગ ૫૦૦ જેટલી હસ્તપ્રતો પ્રાપ્ત કરીને ૭૭ જેટલી પ્રતોનો ચીની ભાષામાં અનુવાદ પણ કર્યો હતો. જેમાં ધરણી અને તંત્રનો સમાવેશ થાય છે. ચીનમાં તેઓ તાંત્રિક બૌદ્ધ પંથના સ્થાપક રૂપે જોવાય છે (મુખરજી, ૧૯૬૦).

ઘણાં ભારતીય ગણિતશાસ્ત્રીઓ અને ખગોળવિદો ચીની વિદ્યાપીઠો અને વૈજ્ઞાનિક સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દાઓ પર વિરાજમાન હતાં. ગૌતમ સિદ્ધ (કુતાન ઝિદ – ચીની ભાષામાં), આઠમી સદીમાં, ચીની ખગોળીય સમિતિમાં પ્રમુખ હતા. ભારતીય નવગ્રહ પંચાંગનો ચીનીમાં અનુવાદ કરનાર તે સ્વયં હતા. ભારતીય અંકોને ચીનમાં પ્રસિદ્ધ કરનાર પણ તે જ હતા. મુદ્રણકળાની શોધનો શ્રેય પણ એક બૌદ્ધ વિદ્વાનને જાય છે જે ભારતથી ચીન ગયો હતો. મુદ્રણકળા બૌદ્ધ વિચારોનો વિસ્તાર કરવામાં અગત્યનું માધ્યમ બની (સેન, ૨૦૦૯).

જ્ઞાનનું સ્થળાંતર – ભારતથી ગ્રીસ, ઇસ્લામિક વિશ્વ અને યુરોપ સુધી

સાંસ્કૃતિક પ્રાચીનતા અને જ્ઞાનના પ્રસારની મોકળાશને કારણે સમગ્ર વિશ્વમાં ભારત સુંદર પુષ્પોથી આચ્છાદિત એક ઉદ્યાન રૂપે વિકસિત થયું હતું. “હિંદુ ચિકિત્સા” નામના નિબંધમાં પર્શિયન રાજા ખુસરોના ( ઈ.સ. ૫૩૧ – ૫૭૯) રાજવૈદ્ય બર્ઝુયેહનો ઉલ્લેખ છે જે સંસ્કૃત જાણતો હતો અને ભારતથી વિવિધ ઔષધ અને વૈદકશાસ્ત્રો પણ લાવ્યો હતો (રોઈલ, ૧૮૩૭). આ દર્શાવે છે કે ભારત અને પશ્ચિમ એશિયા વચ્ચે મરી મસાલા અને વસ્ત્રો ઉપરાંત ઔષધોનો પણ વ્યાપાર થતો હતો.

ભારતીય ઔષધ પ્રણાલીની પ્રાચીનતા વિષયે, એક સંવાદમાં, રાજ વેદમ (સહસંસ્થાપક – ઇન્ડિયન હિસ્ટરી અવેરનેસ એન્ડ રિસર્ચ) જણાવે છે કે આયુર્વેદનું જ્ઞાન કઈ રીતે ભારતથી નીકળીને રોમન/ગ્રીક પ્રદેશોમાં, ઇસ્લામિક પ્રદેશોમાં અને અંતે સમગ્ર યુરોપ સુધી પ્રસર્યું. જેમ કે ભારતીય ઋષિ કણાદ (ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદી) દ્વારા પ્રતિપાદિત થયેલાં વૈજ્ઞાનિક સિદ્ધાંતોને ગ્રીક તત્વચિંતક ડેમોક્રેટસ (ઈ.સ. પૂર્વે ચોથી સદી) દ્વારા યુરોપમાં મળેલો વેગ. જ્ઞાનની ઝંખનામાં ડેમોક્રેટસે ઈજીપ્ત અને પર્શિયાની યાત્રા પણ કરી હતી. પશ્ચિમી ઔષધ-વિજ્ઞાનનો જનક ગણાતો હિપ્પોક્રેટસ ડેમોક્રેટસનો જ શિષ્ય હતો.

[JF Royle ના “An Essay on the Antiquity of Hindoo Medicine Including an Introductory lecture to the Course of Materia Medica and Therapeutics delivered at the King’s College” માંથી, પૃષ્ઠ ૬૨]

[JF Royle ના “An Essay on the Antiquity of Hindoo Medicine Including an Introductory lecture to the Course of Materia Medica and Therapeutics delivered at the King’s College” માંથી, પૃષ્ઠ ૬૨]

જ્ઞાનનો વિસ્તાર પૂર્વથી પશ્ચિમ સુધી કરવામાં અલેકઝાન્ડ્રીયાના ગ્રંથાલયનો સિંહફાળો હતો. અહીં, અધિકૃત, પ્રાચીનતમ અને અસલી કૃતિઓ પ્રાપ્ત કરવા માટે ગ્રંથપાલો કોઈ પણ હદ સુધી જતાં (ફીલીપ્સ, ૨૦૧૦). ગ્રીક ચિકિત્સક ડાયસકોરાઈડ (ઈ.સ. ૫૦-૭૦) દ્વારા લિખિત ગ્રંથ, જે યુરોપના સોળથી પણ વધુ દેશોમાં ઉપયોગમાં લેવાતો, ભારતીય ઔષધોની માહિતીથી સમૃદ્ધ બન્યો હતો (વેદમ, ૨૦૧૬). પાંચમી સદીમાં ચર્ચના ત્રાસથી ભાગેલાં અમુક વિદ્વાનોએ ભારતના કેરળમાં આશ્રય લીધો હતો અને ત્યાંથી પ્રાચીન ઔષધીઓનું જ્ઞાન સીરિયા લઇ ગયાં હતાં (વેદમ, ૨૦૧૬).

હારુન-અલ-રશીદના (અબ્બાસીદ ખલીફત) સમયમાં તેના દરબારના ભારતીય ચિકિત્સક મનકા દ્વારા સુશ્રુત સંહિતાનો અનુવાદ પર્શિયન ભાષામાં થયો હતો. ઇસ્લામી વિજ્ઞાન પર પડેલી ભારતીય વિદ્વાનોની અસરને અલ-બરુની સહીત ઘણાં ઇસ્લામી વિદ્વાનોએ સ્વીકારી છે. ઈરાકના બગદાદમાં પ્રાચીન સમયે ભારતીય વિદ્વાનોનું આવાગમન રહેતું.  અલ-કિન્દી, અલ-ફરાબી, અલ-ફરઘાની, અલ-તબરી અને અલ-ખ્વારીઝમી જેવાં ઇસ્લામી વિદ્વાનોએ ગણિત, વૈદક, ખગોળ, તત્વચિંતન, રસાયણ અને સંગીતનાં ક્ષેત્રોમાં ભારતીય જ્ઞાનનું પ્રસારણ કર્યું હતું (ખાન, ૨૦૦૯). ઇસ્લામી વિદ્વાનો પોતાની ઘણી બધી શોધોનો શ્રેય ભારતીય જ્ઞાનને આપે છે જ્યારે યુરોપિયન વિદ્વાનોએ અરેબિયન સ્રોતોમાંથી લીધેલી માહિતીઓનો શ્રેય કદાપિ આરબ કે ભારતીય વિદ્વાનોને નથી આપ્યો. યુરોપમાં થયેલી નવજાગૃતિ આ જ ઉછીના જ્ઞાનને આભારી હતી (હેસ્સ, ૨૦૧૬).

ઈસુની બારમી અને તેરમી સદીમાં toledo school of translator (સ્પેન) દ્વારા અરેબીયન ગ્રંથોનો અનુવાદ લેટિન ભાષામાં થયો હતો (બ્રોનોસ્કી, ૨૦૧૧). ચૌદમી સદીથી હજારો ભારતીય ગ્રંથોનો અને હસ્તપ્રતોનો અનુવાદ યુરોપમાં થવો શરુ થયો. Bibliotheca Malabarica, સો થી પણ વધુ તમિળ હસ્તપ્રતોનો જથ્થો, Bartholomäus Ziegenbalg નામની ખ્રિસ્તી ધર્માંતરણ સંસ્થા દ્વારા પ્રથમ બે વર્ષોમાં જ (૧૭૦૬-૧૭૦૮) એકઠો કરાયો હતો.

Untitled

લેખના આ ભાગમાં આપણે જોયું કે ભારતીય પ્રાચીન શિક્ષણ પદ્ધતિએ કઈ રીતે વિશ્વમાં વૈચારિક અને જ્ઞાનમય ક્રાંતિ લાવવામાં સહાય કરી. આમ છતાં, ૧૧મી સદીથી ભારત પર થયેલાં મુસ્લિમ આક્રમણો અને મુસ્લિમો દ્વારા થયેલાં અમર્યાદ વિધ્વંસોએ આ પ્રણાલીનાં પાયા હચમચાવી નાંખ્યા. આ પછી થયેલા યુરોપીય સંસ્થાનવાદના પ્રચાર અને ધર્માંતરણના વાવાઝોડાએ ભારતની આ રૂઢિગત શિક્ષણ વ્યવસ્થાને કારમો આઘાત આપવામાં કંઈ બાકી ન રાખ્યું. આ બધું અને વધુ જોઈશું લેખના ત્રીજા અને છેલ્લા ભાગમાં. (ભાગ- ૨ સમાપ્ત. ક્રમશઃ)

The author would like to acknowledge the valuable inputs of the members of Indian History Awareness and Research (IHAR) and specially thank Kanniks Kannikeswaran for supplying pictures from his personal collection.

Bibliography

Apte, D. Universities in Ancient India.

Bose, M. (1990). A Social and Cultural History of Ancient India. Concept Publishing Company.

Bronowski, J. (2011). The Ascent of Man. BBC Books.

Hasse, D. N. (2016). Success and Suppression: Arabic Sciences and Philiosophy in the Renaissance. Harvard University Press.

Hazra, R. C. (1987). Studies in the Puranic Records on Hindu Rites and Customs. Motilal Banarsidass.

Joseph, G. G. (2000). Crest of the Peacock, Non-European Roots of Mathematics. Princeton University Press.

Kane, P. (1941). History of Dharmashastras Vol II, Part I. Bhandarkar Oriental Research Institute.

Khan, M. (2009). Islamic Jihad – A Legacy of Forced Conversion, Imperialism and Slavery. iUniverse.

Mirashi, V. V. (1996). Bhavabuti. Motilal Banarsidass.

Mookerjee, R. K. (1960). Ancient Indian Education – Brahminical and Buddhist. Motilal Banarsidass.

Muller, M. Lectures on the Science of Knowledge delivered at the Royal Institution of Great Britain in April, May and June 1861, 1868.

Philips, H. (2010). The Great Library of Alexandria?

Puttaswamy, T. (2012). Mathematical Achievements of Pre-Modern Indian Mathematicians. Elsevier.

Rao, P. N. (2008). Kanchipuram: Land of Legends, Saints and Temples. Readworthy Publications.

Royle, J. F. (1837). An Essay on the Antiquity of Hindoo Medicine Including an Introductory lecture to the Course of Materia Medica and Therapeutics delivered at the King’s College. Allen.

Russell, B. (1972). History of Western Philosophy. Simon & Schuster.

Saraswati, S. D. (2016). Taittiriya Upanishad. Arsha Vidya Research and Publication Trust.

Sen, A. (2009). The Argumentative Indian: Writings on Indian History, Culture and Identity. Allen Lane.

Subramanian, P. (2003). 100 year old, long Tamil inscription found.

Vedam, R. https://www.youtube.com/watch?v=TtoXaR7wgiI. (2016). Lecture on Antiquity of Indian Medical Systems [Youtube Video].