વૈદિક કાળગણના – Vedic chronology - Sammod Acharya
 
વૈદિક કાળગણના – ૧ : ઋતુબદ્ધ માઘ મહિના થી વૈદિક નવવર્ષનો પ્રારંભ

આ શ્રુંખલાનાં લેખોમાં આપણે સમયની ગણનાની વૈદિક પ્રણાલીનાં મૌલિક સિદ્ધાંતો પર ચર્ચા કરીશું. સાથે સાથે એ પણ જોઈશું કે તે વૈદિક સિદ્ધાંતો વર્તમાનમાં પ્રચલિત “હિંદુ પંચાંગ”નાં સિદ્ધાંતોથી કઇ રીતે ભિન્ન છે.

The article has been translated into Gujarati by Hiren Dave.

આ શ્રુંખલાનાં લેખોમાં આપણે સમયની ગણનાની વૈદિક પ્રણાલીનાં મૌલિક સિદ્ધાંતો પર ચર્ચા કરીશું. સાથે સાથે એ પણ જોઈશું કે તે વૈદિક સિદ્ધાંતો વર્તમાનમાં પ્રચલિત “હિંદુ પંચાંગ”નાં સિદ્ધાંતોથી કઇ રીતે ભિન્ન છે. આ ચર્ચાનાં પરિણામે “હિંદુ નવવર્ષ”નાં રૂપમાં પ્રસિદ્ધ ચૈત્ર સુદ એકમ (પડવો) નાં દરજ્જાનો પણ ખુલાસો થઇ જશે. ઉપરાંત એ પણ જાણવા મળશે કે વૈદિક જ્યોતિષનાં અંતર્ગત ચૈત્ર સુદ એકમનાં દિવસે મનાવાતું હિંદુ નવવર્ષ નથી વૈદિક વર્ષનો આરંભ કે નથી વસંત ઋતુનાં વધામણાં.

આ લેખથી એ પણ સ્પષ્ટ થશે કે સમય ગણનાની પ્રણાલી ન કેવળ પ્રકૃતિનાં સિદ્ધાંતો પર આધારિત છે પણ માનવીય જીવનનાં માપદંડોનું દૈવી માપદંડો સાથેનું સામંજસ્ય પણ છે. વૈદિક વર્ષ આ જ સામંજસ્યનું ઉદાહરણ છે. આ લેખમાં વૈદિક વર્ષનો પ્રારંભ (સૌરચાંદ્રઉત્તરાયણનો પ્રથમ દિવસ) નું પણ વિસ્તારથી વર્ણન થશે.

શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુકત, છંદ અને જ્યોતિષ આ છ વેદાંગોમાં જ્યોતિષ છઠ્ઠું વેદાંગ છે. જ્યોતિષનું મહત્ત્વ વેદાંગ જ્યોતિષમાં લગધ મુનિ દ્વારા આ પ્રકારે સમજાવાયું છે –

वेदा  हि यज्ञार्थमभिप्रवृत्ताः कालानुपूर्व्या विहिताश् च यज्ञाः ।

तस्मादिदं कालविधानशास्त्रं यो ज्योतिषं वेद स वेद यज्ञान्   ।। ३ ।।

અર્થાત,

વેદ યજ્ઞો માટે છે અને યજ્ઞ નિર્ધારિત સમયાનુસાર કરાય છે. આનો અર્થ એ છે કે જે જ્યોતિષ જાણે છે એ જ વ્યક્તિ યજ્ઞને પૂર્ણરૂપે સમજવામાં સક્ષમ છે.

સૂર્ય પૃથ્વીની બધી જ મૌસમી ગતિવિધિઓ ને પ્રભાવિત કરે છે અને આ જ કારણ પણ છે પૃથ્વી પર થતાં ઋતુ પરિવર્તનનું. ઋતુ ઉપરાંત ચંદ્ર-માસ, તિથિ અને ચંદ્ર-નક્ષત્ર નું પણ વૈદિક પરંપરામાં ઘણું જ મહત્ત્વ છે.

૧. ઉત્તરાયણ શું છે ?

પૃથ્વીની ધુરીનું નમન (પૃથ્વી પોતાનાં અક્ષ અને કક્ષામાં ગતિમાન હોઆથી બનતો ખૂણો) અને સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા ફરવાથી ઋતુ પરિવર્તન થાય છે. સૂર્ય, પ્રત્યેક વર્ષે, જે દિવસે પૃથ્વીનાં સાપેક્ષ દક્ષિણ બિંદુ સુધી પહોંચીને ઉત્તર દિશામાં આગમનનો આરંભ કરે એ દિવસને ઉત્તરાયણનો આરંભ કહેવાય છે. સાથે જ આ દિવસ પૃથ્વીનાં ઉત્તર ગોળાર્ધનો સૌથી નાનો દિવસ હોય છે. ઉપરાંત, આ દિવસથી ઉત્તરાયણ પૂર્ણ થવા સુધી દિવસની લંબાઈ ત્યાં સુધી વધતી રહે છે જ્યાં સુધી સૂર્ય ઉત્તરના બિંદુ સુધી પહોંચી ન જાય. વેદાંગ જ્યોતિષમાં આ ઘટનાને આ રીતે સમજાવાઈ છે –

घर्मवृद्धिरपां प्रस्थ: क्षपाह्रास उदग्गतौ ।
दक्षिणेतौ विपर्यासः षण्मुहूर्त्ययनेन तु ।। ८।।

અર્થાત,

ઉત્તરાયણમાં પ્રત્યેક દિવસની લંબાઈમાં ૧ પ્રસ્થ (પ્રસ્થ = પ્રાચીન માપ) ની વૃદ્ધિ અને રાત્રિમાં એટલો જ ક્ષય થાય છે. આ જ ઘટના દક્ષિણયનમાં થાય છે પણ વિપરીત રીતે (પ્રત્યેક દિવસની લંબાઈમાં ૧ પ્રસ્થનો ક્ષય અને રાત્રિમાં વૃદ્ધિ). એક આયનમાં આ પ્રક્રિયા છ મુહુર્ત સુધી ચાલે છે.

આથી એ સ્પષ્ટ થાય છે કે વૈદિક પરંપરામાં સૌર ઉત્તરાયણ દિવસની લંબાઈ અનુસાર નક્કી કરાય છે. અન્ય પદ્ધતિઓ જેવી કે છાયા માપનનો ઉલ્લેખ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ પ્રાપ્ત થાય છે. આજકાલ તો મકર સંક્રાંતિને જ ઉત્તરાયણનો આરંભ માનવામાં આવે છે જે વાસ્તવિક ઉત્તરાયણથી (૨૧ ડીસેમ્બર) લગભગ ૨૩ દિવસો પછી આવે છે.

ઉપર જણાવેલ વેદાંગ જ્યોતિષના શ્લોકથી પૂર્વેનાં શ્લોકોમાં અયનનાં આરંભ માટેનાં નક્ષત્રોનો પણ ઉલ્લેખ છે. પ્રથમ અવલોકન આધારિત નક્ષત્રોનો ઉલ્લેખ છે અને પછી બધાં જ અયન માટે સંક્રાંતિની પરિભાષા સમજાવાઈ છે. આ શ્રુંખલાનાં આગળનાં લેખોમાં આની વિસ્તૃત જાણકારી આવશે.

૨. શું વેદોમાં અને વૈદિક પરંપરામાં સૌર-માસનું પ્રચલન છે ?

વર્તમાનમાં રાશિ ચક્ર આધારિત સૌર-માસ જેવાંકે મકર અને તુલાની સાથે નક્ષત્ર આધારિત મહા (માઘ), ફાગણ (ફાલ્ગુન) જેવા ચાંદ્ર-માસ નો પણ પ્રયોગ થાય છે. ક્યાંક તો આ જ ચાંદ્ર-માસ નો સૌર-માસ રૂપે જ ઉપયોગ થાય છે. આ વર્તમાન પદ્ધતિ એ એક મિથ્યા ધારણા ને જન્મ આપ્યો છે કે બંને પ્રકારનાં મહિના (સૌર અને ચાંદ્ર) વૈદિક છે. સાથે સાથે એ પણ ભ્રમ ફેલાયેલો છે કે વર્ષનો આરંભ ચૈત્ર (મધુ) માસથી જ થાય છે જેને વેદોની માન્યતા પ્રાપ્ત છે. વૈદિક વર્ષનો આરંભ, વસંત ઋતુ, મધુ-માધવ ઈત્યાદી ને સૌર-માસ માનવા પાછળની મિથ્યા ધારણા એટલા માટે છે કે વેદોમાં મહિનાઓની સૂચીમાં મધુ મહિનો સદાય પ્રથમ હોય છે. આથી જ વૈદિક પ્રણાલી જાણવી ખુબ જ આવશ્યક છે.

વેદોમાં મહિનાઓ માટે બે પ્રકારનાં નામનો પ્રયોગ થાય છે. સંહિતાઓમાં નિત્ય મધુ, માધવ જેવાં નામ મળે છેબ્રાહ્મણ અને કલ્પસૂત્રો (શ્રૌતસૂત્ર અને ગૃહ્યસૂત્ર) માં નક્ષત્ર આધારિત ચૈત્ર અને વૈશાખ જેવાં નામ પ્રાપ્ત થાય છે. સંહિતાઓનાં નામ સદૈવ અંહસસ્પતિ (અધિકમાસનું વૈદિક નામ) સાથે જોડાયેલાં હોય છે. અધિકમાસ કેવળ ચાંદ્ર-વર્ષમાં જ હોય, સૌર-વર્ષમાં નહીં (અધિકમાસ વિશે વિસ્તૃત વિવરણ આ શ્રુંખલાનાં આગળના લેખમાં આવશે). આ ઉપરાંત, વર્ષનાં બાર કે તેર મહિના અને પ્રત્યેક મહિનાનાં બે પક્ષ (સુદ અને વદ) હોવાનું વર્ણન વેદોમાં પ્રયુક્ત મધુ, માધવ આદિ મહિનાઓને ચાંદ્ર-માસ જ સિદ્ધ કરે છે. આ પ્રકારે, વેદોમાં પ્રાપ્ત બે પ્રકારનાં નામને સમાનાર્થક માન્ય છે જેનાં પ્રમાણ વેદોનાં ભાષ્ય અને પ્રાચીન ગ્રંથોમાં પણ પ્રાપ્ત થાય છે. વેદાંગ જ્યોતિષમાં ૧૨ મહિના/૧૨ સૂર્ય (શ્લોક ૨૮) નો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે પણ ક્યાંય સૌર-માસનો ઉલ્લેખ પ્રાપ્ત નથી થતો. આથી એ સ્પષ્ટ છે કે સૌર-માસનો ઉલ્લેખ કેવળ ગાણિતીય ઉદ્દેશ્ય હેતુ જ છે. આ જ પ્રકારે, સુશ્રુત સંહિતા (સૂત્ર ૬/૧૦) અને આયુર્વેદનાં બધાં જ પ્રાચીન ગ્રંથોમાં ચાંદ્રમાસ આધારિત ઋતુચક્ર જ પ્રાપ્ત થાય છે. આયુર્વેદની ઋતુચર્યા (આહારવિહાર) માટે પણ ચાંદ્રમાસનો જ ઉલ્લેખ છે. આથી સાર એ જ છે કે વેદોમાં સૌરમાસ નહીં પણ ચાંદ્રમાસનું જ પ્રચલન છે.

 ૩. સૌર-ચાંદ્ર ઉત્તરાયણ શું છે અને વૈદિક વર્ષ એનાં પ્રથમ દિવસ થી જ કેમ આરંભ થાય છે

વેદાંગ જ્યોતિષમાં  –

माघशुक्लप्रपन्नस्य पौषकृष्णसमापिन: ।

युगस्य पञ्चवर्षस्य कालज्ञानं प्रचक्षते ।। ५ ।।

અર્થાત,

કાળના જ્ઞાનને માઘ સુદ(શુક્લ) પડવા થી આરંભ થઇ પોષ મહિનાની અમાસ પર પૂર્ણ થતું, પાંચ વર્ષનાં યુગ વાળું બતાવેલું છે. આ માઘ મહિનો આજે જે પ્રચલનમાં છે એ નથી જે આગળ સમજાવાશે. માઘને વિભિન્ન પુરાણોમાં પણ વર્ષનાં પ્રથમ મહિના રૂપે દર્શાવેલ છે –

वर्षाणामपि पञ्चानामाद्य: संवत्सर: स्मृत:।

ऋतूनां शिशिरश्चाऽपि मासानां माघ एव च ।।

– ब्रह्माण्डपुराण (पूर्वभाग २४.१४१), वायुपुराण (१.१५३.११३), लिङ्गपुराण (१.६१.५२)

અર્થાત,

વૈદિક યુગનાં પાંચ વર્ષમાં સંવત્સર પ્રથમ વર્ષ છે, શિશિર પ્રથમ ઋતુ અને માઘ પ્રથમ મહિનો છે. ભૌગોલિક અને ખગોળીય ઘટનાઓનાં અન્વયે અધિકમાસ પણ જોડવામાં આવે છે.

પૃથ્વીની વાર્ષિક ગતિ પ્રમાણે ઋતુઓમાં થતા પરિવર્તનની સાથે ચાંદ્ર માસની સંબદ્ધતા જાળવવા માટે અધિકમાસ અથવા મળમાસ (૧૩મો મહિનો) યોગ્ય સમયાંતરે જોડવામાં આવે છે (વૈદિક પ્રણાલી અનુસાર, અયનના અંતે). તાત્પર્ય એ છે કે વૈદિક માઘ (તપ) મહિનો વાસ્તવિક ઉત્તરાયણ સંક્રાંતિની આસપાસ જ આવે છે અને આ જ માઘ મહિનામાં વૈદિક નવવર્ષનો આરંભ થાય છે. વૈદિક પરંપરામાં એ પણ સ્પષ્ટ છે કે યજ્ઞ આદિનાં સમય નિર્ધારણમાં ઋતુઓનું મહત્ત્વ સર્વોચ્ચ છે. ઋતુઓને કૃષિ સાથે સીધો સંબંધ છે. જો કે વર્તમાનમાં પર્વ અને તહેવારનો સમય વૈદિક પ્રણાલી અનુરૂપ ન હોઈ વિપરીત નિરયણ પ્રણાલી (નક્ષત્ર સંબંધિત) અનુસાર થાય છે. જો કે વૈદિક પ્રણાલી વસંત પંચમી (સરસ્વતી પૂજા) માં જોઈ શકાય છે.

વેદોમાં મહિનાઓનાં નામમાં સૌ પ્રથમ ઉલ્લેખ મધુ (વસંત ઋતુનો મહિનો) મહિનાનો આવે છે જે ભ્રમ જન્માવે છે કે વૈદિક નવવર્ષનો પ્રથમ મહિનો મધુ છે. વાસ્તવમાં અગ્ન્યાધાન અને સંસ્કારો માટે ભિન્ન ભિન્ન વર્ણોની નિર્ધારિત થયેલી ઋતુ સંબંધિત છે. વસંત ઋતુ ને બ્રાહ્મણ વર્ણ માટે નિર્ધારિત કરેલી હોવાથી તેનો ઉલ્લેખ પ્રથમ છે. આ મુદ્દો શ્રૌતસૂત્ર, ગૃહ્યસૂત્ર અને વેદાંગ જ્યોતિષના સોમકાર ભાષ્યથી પણ સ્પષ્ટ છે.

૪. મનુષ્યના વર્ષને દેવોનો દિવસ કેમ કહેલો છે ?

મનુષ્યનાં એક વર્ષને વૈદિક પરંપરામાં દેવોનો એક દિવસ અથવા અહોરાત્ર (દિન અને રાત્રિ) ગણાય છે. દેવો માટે ઉત્તરાયણ દિવસ છે અને દક્ષિણાયન રાત્રિ. આ અવધારણાને વેદ, સ્મૃતિ અને પુરાણ પણ પુષ્ટિ આપે છે –

દેવોનો એક દિવસ એક વર્ષ હોય છે (તૈત્તરીય કૃષ્ણયજુર્વેદબ્રાહ્મણ ૩.૯.૨૨.૧).

ઉત્તર દિશામાં પ્રગતિ કરતો સૂર્ય દેવોના માર્ગમાં જાય છે અને દેવોની રક્ષા કરે છે (માધ્યન્દિનીય વાજસનેયિ શુક્લયજુર્વેદ શતપથબ્રાહ્મણ ૨.૧.૩.૩).

દિવસ ઉત્તરાયણ અને રાત્રિ દક્ષિણાયન છે (મનુસ્મૃતિ ૧.૬૭, મહાભારત ૧૨.૨૩૯.૧૭). આ ઉલ્લેખ બ્રહ્માંડ આદિ પુરાણોમાં પણ જોવા મળે છે.

આથી જોઈ શકાય છે કે વર્ષ, અયન, ઋતુ, મહિનો બધું જ વ્યવહારિક ઉદ્દેશ્ય માટે સુદ પડવા થી જ આરંભ થાય છે. દેવોનો દિવસ અને વૈદિક વર્ષ પણ માઘ સુદ પાડવા થી જ આરંભ થાય છે. આ સુદ પડવો મહદઅંશે વાસ્તવિક સૌર ઉત્તરાયણ થી ઠીક પહેલાંનો છે. અધિકમાસનાં સમયે આ જ સુદ પડવો ઉત્તરાયણ પછી પણ આવી શકે છે. ઉદાહરણરૂપે ગયું વૈદિક વર્ષ ૩૦ નવેમ્બર ૨૦૧૬ નાં દિવસે આરંભ થયું (ઉત્તરાયણનાં ઠીક બાવીસ દિન પૂર્વે ) જ્યારે ૧૮ ડિસેમ્બર ૨૦૧૭ થી આરંભ થતું વૈદિક નવવર્ષ ઉત્તરાયણ થી ત્રણ દિન પૂર્વે આરંભ થયું છે. પ્રત્યેક ૧૯ વર્ષે આ સુદ પડવો અને ઉત્તરાયણ એક જ દિવસથી આરંભ થાય છે.

આ શ્રુંખલાનાં આગળનાં લેખોમાં વૈદિક સમય માપન, સૌર વર્ષમાં વાસ્તવિક ઉત્તરાયણ તથા વૈદિક અધિકમાસ વિશે માહિતી મેળવીશું.

નોંધ – આ લેખમાં ઉલ્લિખિત વેદાંગ જ્યોતિષની શ્લોક સંખ્યાઓ યજુર્વેદી વેદાંગ જ્યોતિષની શ્લોક સંખ્યા પ્રમાણે છે.

શબ્દાવલી

અયન = સૂર્યની વાર્ષિક ગતિ પર આધારિત વર્ષનું અડધું માપ.

અયન ચલન = સંક્રાંતિનાં સમયે જ્યાં સૂર્ય દેખાય છે એ પૃષ્ઠભૂમિ બિંદુનું ચલન. નક્ષત્ર વર્ષની તુલનામાં સૌર વર્ષ લગભગ ૨૦ મિનીટ નાનું હોવાથી આવું થાય છે.

નિરયણ પ્રણાલી = અયન ચલન ને અવગણીને સૂર્ય અને ચંદ્રની અવકાશી સ્થિતિ પ્રમાણે મહિના અને ઉત્સવ-પર્વ નિર્ધારિત કરવાની અર્વાચીન પ્રણાલી.

ચાંદ્ર માસ = વૈદિક પ્રણાલી પ્રમાણે લગભગ ૨૯.૫ દિવસનો સમય જેને મહિનો ગણાય છે જે સુદ પડવા થી આરંભ થઇ અમાસે પૂર્ણ થાય છે.

પ્રમુખ આધાર ગ્રંથ

१. माध्यन्दिनीयवाजसनेयिशुक्लयजुर्वेद (मन्त्रसंहिता और शतपथब्राह्मण )

२. तैत्तिरीयकृष्णयजुर्वेदसंहिता और ब्राह्मण

३. मैत्रायणीयकृष्णयजुर्वेदसंहिता

५. पारस्करगृह्यसूत्रम्

६. वेदाङ्गज्योतिषम् – सोमाकरभाष्य तथा कौण्डिन्न्यायनव्याख्यान और हिन्दी अनुवाद सहित;

शिवराज आचार्य कौण्डिन्न्यायन, चौखम्बाविद्याभवन (२००५)

७. मनुस्मृति:

८. ब्रह्माण्डपुराणम्

९. वायुपुराणम्

१०.सुश्रुतसंहिता

Featured Image: Pixabay

Disclaimer: The opinions expressed within this article are the personal opinions of the author. IndiaFacts does not assume any responsibility or liability for the accuracy, completeness, suitability, or validity of any information in this article.