રાજીવ મલ્હોત્રા અને મીનાક્ષી જૈન વચ્ચે વાર્તાલાપ

આ વાતચીતમાં હું દિલ્હી યુનિવર્સિટીના ઈતિહાસ અને પોલિટિકલ સાયન્સના અધ્યાપક મીનાક્ષી જૈનના લેખન વિશે કહેવા માંગુ છું. હું એમને છેલ્લા વીસ વર્ષથી ઓળખું છું અને મારે હિસાબે તેઓ ભારતના ઈતિહાસ અને પોલિટિકલ સાયન્સના સર્વોત્તમ શિક્ષક છે. તેઓએ દિલ્હીમાં શેલ્ડોન પોલોકને લક્ષ્યમાં રાખીને યોજાયેલી સ્વદેશી ઈન્ડોલોજી-૨માં એક ખુબ જ સરસ પેપર પ્રસ્તુત કર્યું હતું.

The conversation has been translated into Gujarati by Udit Shah

આ વાતચીતમાં હું દિલ્હી યુનિવર્સિટીના ઈતિહાસ અને પોલિટિકલ સાયન્સના અધ્યાપક મીનાક્ષી જૈનના લેખન વિશે કહેવા માંગુ છું. હું એમને છેલ્લા વીસ વર્ષથી ઓળખું છું અને મારે હિસાબે તેઓ ભારતના ઈતિહાસ અને પોલિટિકલ સાયન્સના સર્વોત્તમ શિક્ષક છે. તેઓએ દિલ્હીમાં  શેલ્ડોન પોલોકને લક્ષ્યમાં રાખીને યોજાયેલી સ્વદેશી ઈન્ડોલોજી-૨માં એક ખુબ જ સરસ પેપર પ્રસ્તુત કર્યું હતું. અમે બંનેએ વામપંથીઓના કાર્યનું મૂલ્યાંકન કર્યું છે, જે અમારાં બંને વચ્ચે એક સામાન્ય બાબત છે. આ વામપંથીઓ કાં તો અમારી સાથે લડે છે કાં તો અમને અવગણે છે અથવા અમારી બુરાઈ કરે છે. ઘણા સમયથી હું એમની સાથે સંપર્કમાં ન હતો એટલે મેં વિચાર્યું કે એમની સાથે સંવાદ કરીને જૂની વાતો તાજી કરીએ. અમારી વચ્ચે ભારતીય બૌદ્ધિક સંપદા પર વામપંથીઓનો પ્રભાવ, અયોધ્યામાં બાબરી મસ્જિદ, સતીપ્રથા વિશેની ગેરસમજ, મૂર્તિપૂજા વિરુદ્ધનું અભિયાન અને સ્વદેશી ઈન્ડોલોજીમાં સંશોધનનું ભવિષ્ય જેવા વિષયોમાં ચર્ચા થઈ.

ભારતીય બૌદ્ધિકોમાં વામપંથીઓનું પ્રભુત્વ

ભારતની બૌદ્ધિક સંપદાની  પ્રવર્તમાન પરિસ્થિતિ વિશે ચર્ચા કરતા, જે દરમિયાન ઈરફાન હબીબ અને રોમિલા થાપર જેવાં વિદ્વાનોનું વર્ચસ્વ રહ્યું, તેઓ જણાવે છે કે આ વ્યવસ્થા ઉપર આ વામપંથીઓની પુરેપુરી પકડ હતી. ભંડોળના બધા જ સ્ત્રોતો ઉપર તેઓનું સંપૂર્ણ વર્ચસ્વ હતું અને જે પણ વિદ્યાર્થીને સંશોધન કરવું હોય તેણે આ વિદ્વાનો હેઠળ જ કરવું પડે અને તે પણ તેમના જ દ્રષ્ટિકોણથી. એટલે જે વ્યક્તિનો દ્રષ્ટિકોણ એમની વિચારધારાથી અથવા એમની વિચારસરણીથી ભિન્ન હોય તેના માટે ઈતિહાસકાર બનવું કે આ ક્ષેત્રમાં અભ્યાસ કરીને સફળ થવું એ ઘણું જ અઘરું હતું. એટલે જે કોઈનો ભિન્ન દ્રષ્ટિકોણ હોય અથવા જે કોઈને પોતાનો જુદો જ માર્ગ કંડારવો હોય તો એ માર્ગે એણે એકલા જ ચાલવાનું હતું અને જાતે જ પોતાના લક્ષ્ય પર પહોંચવાનું હતું.

કોંગ્રેસ પક્ષની સરકાર (ઈન્દિરા ગાંધીને સમયે) જ્યારે લઘુમતીમાં આવી ત્યારે વામપંથીઓનું પ્રભુત્વ વધવાની શરૂઆત થઈ. એ સમયે કોંગ્રેસે સરકાર ચલાવવા માટે રાજકીય જોડાણ સાધવું હતું એટલે કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા (સી. પી. આઈ.) ઉપર પસંદગીનો કળશ ઢળ્યો. પોતાની વિચારધારાને ફેલાવવા માટેની પ્રવૃત્તિમાં વામપંથીઓએ હંમેશા ચતુરાઈ વાપરી છે, એટલે એમને શિક્ષણ મંત્રીપદના માધ્યમ થકી ભારતના ઈતિહાસને વામપંથની વિચારસરણીના રંગરૂપ ચડાવીને પ્રસ્તુત કરવાનો માર્ગ ઉત્તમ જણાયો. એટલે આ મંત્રીપદ સી. પી. આઈ. પક્ષના કાર્ડહોલ્ડર સભ્ય અધ્યાપક નુરુલ હસને પ્રાપ્ત કર્યું. અને સૌ પ્રથમ કામ એ કર્યું કે જે ઈતિહાસકારોએ ઈતિહાસને પ્રસ્તુત કરવાનો દ્રષ્ટિકોણ વામપંથીઓથી ભિન્ન અપનાવેલો હતો એ સૌની બાદબાકી કરી નાખી. આર. સી. મજુમદાર અને જદુનાથ સરકાર જેવા એમની વિચારધારાથી ભિન્ન એવા સુવિખ્યાત ઈતિહાસકારોને હાંસિયામાં ધકેલી દીધાં.

ઉદાહરણ તરીકે, જદુનાથ સરકારે ભારતીય ઈતિહાસના સંદર્ભે મુગલ સામ્રાજ્યના સમય દરમિયાન  ભિન્ન ભિન્ન વિષયો જેવાં કે પ્રશાસન, કૃષિ વગેરે અંગે વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. તેમ છતા, વામપંથીઓએ આ પુરાવા-આધારિત ભારતીય ઈતિહાસ વિષયક અભ્યાસને ઉતારી પાડ્યો. જદુનાથ સરકારના તાજેતરમાં પ્રકાશિત થયેલા જીવનચરિત્રમાં તેના લેખક  આશ્ચર્ય વ્યક્ત કરે છે કે ઈરફાન હબીબ એમના પુસ્તક “એગ્રેરીઅન સિસ્ટમ ઑફ મુગલ ઈન્ડિયા” નામક પુસ્તકમાં જદુનાથ સરકારના અભ્યાસનો એક પણ સંદર્ભ આપતા નથી. હકીકતમાં બિન-વામપંથી ઈતિહાસકારોને વ્યવસ્થિત રીતે ઈતિહાસના પાનામાંથી હટાવી દેવાયા છે જેથી આ વામપંથીઓએ તેમના કથાનકમાં ન બેસતી બાબતો સાથે માથાકૂટ ન કરવી પડે.

બિન-વામપંથીઓ માટે શિક્ષણક્ષેત્રમાં વિકાસ સાધવાનું કે એમના કોઈ પણ પુસ્તકને પ્રકાશિત કરવાનું ઘણું જ મુશ્કેલ છે. કોઈ પણ પ્રકાશક પાસે જાઓ તો સૌ પ્રથમ પુસ્તકને સમીક્ષા માટે આપવું પડે અને એ સમીક્ષક ભલે સારા વિદ્વાન હોય કે ન હોય પણ એ આ વામપંથી વિચારધારાના જ હોય એટલે પુસ્તકના જનમ પહેલાં જ એના અગ્નિસંસ્કાર કરી નાંખે.

હું એટલા માટે બચી રહી કારણ કે મારે કોઈની પાસે કોઈ જ મહેરબાની જોઈતી ન હતી. હું કોઈ નોકરી શોધતી ન હતી. એક નાની નોકરી હતી જે મારી જરૂરિયાત માટે પૂરતી હતી. મારું પુસ્તક પ્રકાશિત કરવું એ એક મોટો માથાનો દુખાવો હતો એટલે મેં પુસ્તક પ્રકાશિત કરવા પ્રયત્ન જ ના કર્યો. હું ધારું છું કે મારાં દરેક પુસ્તકમાં મેં જે તે વિષય બાબત અર્થપૂર્ણ યોગદાન આપ્યું છે છતા મારા દરેક પુસ્તકને દરેક પ્રકાશક દ્વારા નામંજુર કરવામાં આવ્યું કારણ કે મારી હસ્તપ્રત વામપંથીઓ પાસે જ મોકલવામાં આવતી. ઉદાહરણ તરીકે, હિન્દૂ-મુસ્લિમના મધ્યયુગમાં સંબંધો વિશે વિસ્તૃત ચર્ચા કરતું મારું એક પુસ્તક એક સમીક્ષક પાસે મોકલાવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ ખુબ જ ગંભીર કાર્ય છે અને આ વિષય ઉપર જેટલું લખાયું છે તે બધાની નોંધ લેવામાં આવી છે પરંતુ હું પ્રકાશકને ટિપ્પણી કરીશ કે આને “એક હિંદુના મતે હિન્દૂ-મુસ્લિમ સંબંધો” એવી નોંધ પુસ્તક ઉપર મૂકે. એટલે પ્રકાશક ડરી ગયો અને એમ કહી દીધું કે “આ હિંદુનો દ્રષ્ટિકોણ છે એટલે હું આને પ્રકાશિત નહીં કરું”.

મેં ચાર પ્રકાશકો પાસે ચાર પુસ્તકો માટે રજુઆત કરી અને ચારે ચાર પુસ્તકોની હસ્તપ્રત સમીક્ષકો પાસે ગઈ તો ચારે જણે કહ્યું કે કાર્ય ખુબ ગંભીર છે પણ માત્ર એક જ દ્રષ્ટિકોણ રજુ કરે છે એટલે પુસ્તકોને પ્રકાશિત કરવાનો નનૈયો ભણી દીધો. હકીકતમાં મારા અયોધ્યા વિષયક પુસ્તકને પ્રકાશિત કરવાની પણ ચાર પ્રકાશકોએ ના પાડી દીધી અને માત્ર અયોધ્યાના આ સ્થળનું ઉત્ખનન કરવામાં ખુબ જ સક્રિય એવા “ઈન્ડિયન આર્કિઓલોજિસ્ટ્સ”ના હસ્તક્ષેપથી જ આ પુસ્તક પ્રકાશમાં આવી શક્યું.

ધી  ઈન્ડિયા ધે સૉ

મીનાક્ષી જૈને “ઘી ઈન્ડિયા ધે સૉ(ભારત: એમની દ્રષ્ટિએ) નામનું પુસ્તક ૩ ભાગમાં પ્રકાશિત કર્યું છે જેમાં આઠમી સદીના મધ્યભાગથી લઈને ઓગણીસમી સદીના મધ્યભાગ સુધીમાં ભારત આવેલા પરદેશી પ્રવાસીઓના ભારતમાં થયેલા એમના અનુભવનો વિસ્તૃત વૃત્તાન્ત આપેલો છે. આ પ્રવાસીઓ વિશ્વના ભિન્ન ભિન્ન પ્રદેશોમાંથી આવ્યા હતા. તેઓ યુરોપથી, ચીનથી, દૂરપૂર્વ દેશોમાંથી અને મુસ્લિમ પ્રદેશોમાંથી આવ્યા હતા. હકીકતમાં ઘણાં આરબ અને પર્શિયન લેખકો પણ હતા. આ સંશોધનના સ્ત્રોતો મોટા ભાગના અંગ્રેજીમાં અનુવાદ થયેલા હતા અને વિશ્વભરનાં પુસ્તકાલયો અને સંસ્થાઓમાંથી મેં મેળવ્યા હતા.

મોટા ભાગના બધા જ વર્ણનોમાં એ જાહેર થાય છે કે આ પ્રવાસીઓ ભારતને ખુબ જ સમ્માનથી જુએ છે. ભારતમાં એમણે જે પણ જોયું; જેમ કે આર્થિક સમૃદ્ધિ, સમાજમાં સ્ત્રીઓનું સ્થાન, લવચીક જાતિ-વર્ણ વ્યવસ્થાની જડતા-વિહીન વ્યવહારિકતાભરી સ્થિતિ વગેરે જોઈને તેઓને ભારત પ્રત્યે ખુબ જ આદરભાવ થયો.

આ જાતિ-વર્ણ વ્યવસ્થાને ત્યાર પછી અંગ્રેજોએ ઊંધે માથે પછાડીને બહુસ્તરીય જાતિ વ્યવસ્થામાં પરિવર્તિત કરી.

પિએટ્રો દેલા વેલી નામના એક ઈટાલિયન ઉમરાવ એમની પહેલી ભારતની યાત્રા વખતે દક્ષિણ ભારત ગયા હતા. ઈરાનના શાહની મુલાકાત લીધા બાદ તેઓ પર્શિયાથી ભારત આવ્યા હતા. એમની સાથે એક દુભાષિયો હતો. એ દિવસોમાં દક્ષિણ ભારતમાં માતૃકેન્દ્રીય સમાજનું પ્રભુત્વ હતું અને પિએટ્રોને કહેવામાં   આવ્યું કે જે ગામમાં તેઓ મુલાકાત માટે જવાના હતા તેના શાસક એક સ્ત્રી હતાં. જ્યારે ગામમાં પહોંચ્યા ત્યારે એમને જણાવવામાં આવ્યું કે જેમને તેઓ મળવા માંગે છે તેઓ એ સમયે ખેતરમાં ખાડો  ખોદવાનું કાર્ય ચાલતું હતું એની ઉપર દેખરેખ રાખવામાં વ્યસ્ત હતાં. એટલે પિએટ્રો ત્યાં પહોંચ્યા અને જોયું કે એ શાસક એક સામાન્ય નાગરિકના જેવા વસ્ત્રો પહેરીને ઉઘાડે પગે ફરતા હતાં. પરંતુ તેમને એ વાતનું ઘણું આશ્ચર્ય થયું કે એ મહિલાને અનેક સામાજિક-આર્થિક વિષયક બાબતોનું જ્ઞાન ઈરાનના શાહ કરતા લગીરે ઓછું નહોતું.

પરદેશી પ્રવાસીઓની વિસ્તૃત ગાથાઓમાં બીજી એક ઊડીને આંખે વળગે એવી બાબત છે ભારતીય સમાજમાં બ્રાહ્મણો માટેનો રહેલો ઊંડો આદર.

પ્રવર્તમાન પ્રચલિત કથાનક મુજબ એ સમયે ભિન્ન ભિન્ન સ્તર વાળી જાતિ વ્યવસ્થા હતી અને દરેક જાતિનું નીચલું કે ઉપલું સ્થાન નક્કી થયેલું હતું અને બ્રાહ્મણોને એ વ્યવસ્થા માટે જવાબદાર ગણવામાં આવતા હતા. ઈ. સ. ૧૭૬૬માં એક અંગ્રેજ કલેક્ટરને મદ્રાસથી થોડા માઈલ દૂર એક ગામમાં જવું હતું. તેમને એટલું લાબું અંતર ઘોડે બેસીને પસાર  નહોતું કરવું એટલે એમણે એક પાલકીમાં બેસીને ત્યાં પહોંચવાનું નક્કી કર્યું. જ્યારે તેઓ એમના નિર્ધારિત સ્થળે પહોંચી ગયા ત્યારે એમણે જોયું કે પાલકી ઉપાડવાવાળા સૌ લાંબો રસ્તો પગપાળા કાપ્યો હોવાથી કાદવથી સંપૂર્ણ ખરડાઈ ગયા હતા. તેઓ જ્યારે પાલકીમાંથી બહાર ઉતર્યા તો એમણે નોંધ્યું કે ગામની એકે ય વ્યક્તિ એમને જોતી ન હતી. તેઓ સૌ આ પાલકી ઉપાડી લાવનારાઓને પ્રણામ કરતા હતા, કારણ કે તેઓ સૌ બ્રાહ્મણ હતા, જેઓ ભારતીય પરંપરાના સંરક્ષક અને જ્ઞાનની સરિતાના વાહક હતા અને એટલા માટે સમાજમાં એમના માટે ખુબ જ ભક્તિભાવ હતો. બ્રાહ્મણો પાસે કોઈ જ રાજકીય સત્તા નહોતી અને તેમ છતાં તેમને માટે ભારતીય સમાજમાં ઘણું ઊંચું સ્થાન હતું.

આ બહુ  જ મહત્ત્વનો સંશોધનનો વિષય છે જે આશ્ચર્યજનક હકીકત તરફ આપણને દોરી જઈ શકે અને જે પ્રવર્તમાન કથાનકને પડકારે છે અને એ ભારતીય સમાજ વિશેની અને જાતિવ્યવસ્થાની આપણી આજની માન્યતાને રદિયો આપે છે. આ વિષય માટે એક અતિ ગંભીર પૅનલ સંવાદ કે પરિષદનું આયોજન કરવાની આવશ્યકતા છે જેમાં પરદેશી પ્રવાસીઓના ભારતભ્રમણના અનુભવોના લખાણનાં મૂળ સ્ત્રોતો તપાસીને તારણ પર આવી શકાય અને આ કાર્ય કોઈ ચોક્કસ વિચારધારાવાળા કે ચોક્કસ વલણ ધરાવતા વિદ્વાનો વિના સંપન્ન કરી શકાય. હું ધારું છું કે આ કાર્ય ઘણું રોમાંચક અને આશ્ચર્યચકિત કરનારું નીવડશે.

અયોધ્યા વિવાદ

ઈરફાન હબીબ એક ખ્યાતનામ વામપંથી લેખકોમાંના એક છે જેમણે અયોધ્યા વિવાદ વિશે ઘણું લખ્યું છે.

જે સતત વાદવિવાદનો વિષય રહ્યો છે. એમણે દરેકેદરેક પુરાવાને કોરે મૂકી દીધા કે ફગાવી દીધા, જે હિન્દુઓના એ દાવાને પ્રમાણિત કરે છે કે અગાઉ એ સ્થળે મંદિર હતું. અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદાના થોડા સમય બાદ અલીગઢ હિસ્ટોરિયન્સ ફોરમ દ્વારા પ્રકાશિત એક પુસ્તિકા તેમણે લખી જે કોર્ટના એ ચુકાદાને સંપૂર્ણપણે વખોડે છે અને ઉપરાંત એમ લખે છે કે સુપ્રીમ કોર્ટ આ ચુકાદાને રદબાતલ કરશે.  મીનાક્ષી જૈન દર્શાવે છે કે વામપંથી ઈતિહાસકારો દ્વારા ગાઈવગાડીને પ્રસ્તુત કરાયેલા એકેએક મુદ્દાઓને કોર્ટે અને તટસ્થ વિદ્વાનોએ ફગાવી દીધા. વામપંથી ઈતિહાસકારોના મત મુજબ અંગ્રજોએ એમની “ભાગલા પાડીને રાજ કરો”ની કુટનીતિના ભાગ હેઠળ અયોધ્યાના વિવાદને ઓગણીસમી સદીમાં જન્મ આપ્યો હતો. તેઓ દાવો કરે છે કે એ સ્થળે એ સમય પહેલા કોઈ મંદિર હોવાનું કોઈ પણ પ્રમાણ હતું નહીં. તેઓ એવો પણ દાવો કરે છે કે રામની પૂજા એ પણ બહુ મોડે મોડે અઢારમી કે ઓગણીસમી સદી પછી કરવાનું ચાલુ થયું.

મીનાક્ષી જૈન મક્કમપણે પ્રસ્તુત કરે છે કે એવા ઘણા દસ્તાવેજો છે જે વામપંથીઓના દ્રષ્ટિકોણને સંપૂર્ણપણે ખોટા સાબિત કરે છે. અવધ ઉપર અંગ્રેજોએ પહેલી સ્વતંત્રતાની લડાઈ પછી સન ૧૮૫૮માં રાજ્ય કરવાનું ચાલું કર્યું અને ત્યાર બાદ અયોધ્યા વિવાદના બધા જ દસ્તાવેજો ફૈઝાબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રખાતા હતા. આજે ૧૫૦ વર્ષ પછી પણ દસ્તાવેજો કોઈ પણ હાનિ વિના સચવાયેલા પડ્યા છે. પહેલો આ વિષયને લગતો દસ્તાવેજ ઈ. સ. ૧૮૫૮નો જ છે જે અવધના થાણેદાર દ્વારા ફાઈલ કરાયેલી એક એફ.આઈ. આર. છે. જેમાં નોંધાયું છે કે “૨૫ શીખો બાબરી મસ્જિદમાં ઘૂસીને હવન અને પૂજા કરવા મંડ્યા”. આ બનાવના બે દિવસ પછી બાબરી મસ્જિદનો મુત્તાવલી (સુપરિન્ટેન્ડેન્ટ) પણ ફૈઝાબાદ કોર્ટમાં ફરિયાદ કરે છે જેમાં એ લખે છે કે પેલાં શીખોએ કોલસાથી મસ્જિદની દીવાલો ઉપર રામ શબ્દ લખ્યો અને તેઓ પૂજા અને હવન કરવા માંડ્યા. એણે એવું પણ પ્રમાણ આપ્યું કે એ બનાવ પહેલા હિન્દુઓના કબજામાં બાબરી મસ્જિદનું કમ્પાઉન્ડ તો હતું જ જેને તેઓ ભગવાન રામના જન્મસ્થળ તરીકે ગણતા હતા. અલાહાબાદ હાઈ કોર્ટે આ વિવાદના વિષય માટે આને ખુબ જ મહત્ત્વની હકીકત તરીકે સ્વીકારી કે આ વિવાદમાં મુસ્લિમ સ્ત્રોત પણ છે જેના મુજબ એ જણાય છે કે સન ૧૮૫૮થી હિંદુઓ આ સ્થળને લઈને કોર્ટમાં લડત આપી રહ્યા હતા.

બાબરી મસ્જિદમાં સન ૧૮૫૮માં મૂર્તિ મુકાયાની શરૂઆતથી લઈને ૧૯૪૯ સુધી હિંદુઓ અને મુસલમાનો વચ્ચે અયોધ્યા મામલે ઘણાં કોર્ટ કેસીસ થતાં રહ્યાં છે. ઈ. સ. ૧૮૮૮માં બાબરી મસ્જિદના મુત્તાવલીએ કોર્ટમાં ફરિયાદ કરી કે (ફરિયાદ કરવાના દિવસ સુધી) દરેક રામનવમી અને કાર્તિક મેળા વખતે બાબરી મસ્જિદની અંદર લોકોની પ્રચંડ ભીડને પહોંચી વળવા હિંદુઓ પ્રસાદની, ફૂલની  અને ફળની દુકાનો લગાવતા હતા અને બંને કોમ વચ્ચે આવકની વહેંચણીની બાબતમાં સંમતિ હતી અને બંને કોમ માટે એ વ્યવસ્થા લાભાન્વિત હતી. પણ અચાનક એ વર્ષે જન્મસ્થાનના મહંતે  બાબરી મસ્જિદના અધિકારીઓની સાથે વાર્તાલાપ કર્યા વિના આવકની વહેંચણી બાબતમાં એકતરફી નિર્ણય લઈને અંગ્રેજી અધિકારીઓને જૂની ૫૦-૫૦  ટકાવાળી વહેંચણી ફરી સ્થાપિત કરવા માટે અરજી કરી.

અયોધ્યા વિવાદ ઉપર મુસ્લિમ લેખકો દ્વારા બે પુસ્તક પ્રસ્તુત થયા છે. એમાં એક કે. કે. મોહમ્મદની આત્મકથા છે જેઓ પોતે એ.એસ.આઈ. (આર્કિઓલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયા)માં આર્કિઓલોજિસ્ટ હતા. તેમના મુજબ જ્યારે ૧૯૮૯માં વિવાદ ભડક્યો ત્યારે મુસ્લિમોમાં ગંભીરતાથી એ વિચાર વહેતો થયો હતો કે આ સ્થાન હિંદુઓને આપી દેવું જોઈએ કારણ કે એમના માટે આ સ્થાનનું ઘણું મહત્ત્વ છે. પરંતુ વામપંથી ઈતિહાસકારોના એક જૂથે તેમને ખાતરી કરાવી દીધી કે મુસ્લિમો પાસે ઘણો જ સબળ દાવો છે એટલે તેમણે કોર્ટમાં લડવું જોઈએ. એટલે બંને પક્ષો વચ્ચે આ વિવાદ સંબંધે સૌહાર્દપૂર્ણ સુલેહ થતી અટકી ગઈ. હકીકતમાં આ વામપંથીઓ જ હતા જેમણે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે તિરાડ ઊભી કરી હતી. આ બંને કોમના લોકો તો વિવાદનો નિવેડો લાવવા તૈયાર જ હતા. પ્રધાન મંત્રી વી.પી. સિંઘ અને ચંદ્રશેખરના કાર્યાલયમાં ઑફિસર ઑન સ્પેશિઅલ ડ્યૂટી તરીકે ફરજ બજાવતા શ્રી કિશોર કુણાલનું કથન ઘણી અંદરની માહિતી પ્રસ્તુત કરે છે કે વામપંથીઓએ કઈ રીતે એ વિવાદને લગતા ઘણા મુદ્દાઓમાં સૌને ગેરમાર્ગે દોર્યા.

મધ્યયુગનો એવો કોઈ પણ સ્ત્રોત નથી જે દર્શાવે છે કે બાબરી મસ્જિદ સીધેસીધી જમીન ઉપર બંધાઈ હતી. બધા જ સ્ત્રોતો એ વાતની તો સાક્ષી પુરે જ છે કે રામનું મંદિર તોડી નંખાયું હતું અને એ જ સ્થાને મસ્જિદ બંધાઈ હતી. સોળમી સદીના પર્શિયન સ્ત્રોતો અયોધ્યા એ રામજન્મભૂમિ છે એવા અનેક સંદર્ભોથી પ્રચુર છે. સોળમી સદીમાં અબુલ ફઝલ લખે છે કે અયોધ્યા એ પવિત્ર સ્થળ છે કારણ કે એ રામનું જન્મ સ્થાન છે. ત્યાર બાદ સન ૧૬૦૦માં અકબરે છ વીઘા જમીન હનુમાન ટીલાને જે કોઈ બાંધકામ કરવું હોય તે કરવા માટે પ્રદાન કરી. પર્શિયન ભાષામાં લખાયેલી એ મંજૂરી સન ૧૭૨૩માં રિન્યુ કરવામાં આવી અને લખનાર નોંધે છે કે અકબર અને રામજન્મભૂમિ બંનેના આદેશથી તેઓ આ લખી રહ્યાં છે. ત્યાર બાદ બાબરી મસ્જિદના મુત્તાવલીએ સન ૧૮૫૦માં અંગ્રેજોને બે દરખાસ્ત મોકલી અને બંનેમાં એ પોતાના સ્થળને “મસ્જિદ-એ-જન્મસ્થાન” તરીકે ઓળખાવે છે જેનો ચોખ્ખો અર્થ “જન્મસ્થાન ઉપર મસ્જિદ” એવો થાય છે. અઢારમી સદીમાં મુસ્લિમો દ્વારા લખાયેલા ઘણા ઐતિહાસિક કથનો છે જે બધા આ સ્થળને જન્મસ્થાન તરીકે ઓળખે છે. બાબરી મસ્જિદમાં જેમણે શિલાલેખો પ્રાપ્ત કર્યા હતા તે મોહમ્મદ શોએબ દ્વારા લખાયેલો આ વિશેનો અહેવાલ મૌજુદ છે. એમના મત મુજબ જે ત્રણ શિલાલેખનો એમણે અભ્યાસ કર્યો હતો તેમાંથી એક ઉપર ચોખ્ખું લખાયું છે કે આ મસ્જિદ રામમંદિરના સ્થાન ઉપર બંધાઈ છે. પરંતુ મુદ્દો એ છે કે આ શિલાલેખ કોઈએ જોયો નથી અને એ બાબત સમજવી બહુ  મહત્ત્વની છે કે આ શિલાલેખ ત્યાંથી ક્યારે હટાવવામાં આવ્યો અને સો વર્ષ ઉપરનો સમય થયો હોવા છતા આ અહેવાલ જાહેર કેમ ના કરાયો.

એક અન્ય શિલાલેખ પણ વિવાદમાં છે જે વામપંથીઓના કથન મુજબ ત્યાં છળથી મૂકી દેવાયો હતો. જે દિવસે બાબરી મસ્જિદ તોડી નંખાઈ તે છઠ્ઠી ડિસેમ્બરે એક મોટો શિલાલેખ ૫ ફૂટ x  ૨ ફૂટ મસ્જિદની દીવાલમાંથી મળ્યો હતો. અલાહાબાદ હાઈ કોર્ટના આદેશથી એ.એસ.આઈ.ના એપીગ્રાફી વિભાગ દ્વારા એનું લખાણ ઉકેલવામાં આવ્યું હતું. એ શિલાલેખ ચોખ્ખું દર્શાવે છે કે આ વિષ્ણુ-હરિ મંદિર છે અને મંદિરની બધી જ વિગતો આપે છે જેમ કે કોણે બંધાવ્યું, ક્યારે બંધાયું વગેરે વગેરે. જેનું કોઈ રીતે ખંડન કરી ના શકાય એવી જબરદસ્ત સાબિતી આ હતી, જે મુજબ મંદિર ત્યાં ખરેખર હતું અને વિવાદિત બાંધકામ મંદિરને તોડીને કરવામાં આવ્યું હતું. પરંતુ વામપંથી ઈતિહાસકારોએ  અને ખાસ કરીને ઈરફાન હબીબે દાવો કર્યો કે એ “વિષ્ણુ-હરિ” શિલાલેખ બાબરી મસ્જિદના કાટમાળમાંથી નહીં પરંતુ લખનૌ મ્યુઝિયમમાંથી ચોરીને એ સ્થળે મૂકી દેવાયો હતો. એટલે આ બાબત ખુબ જ મહ્ત્વનો પ્રશ્ન ઊભો કરે છે કે આ શિલાલેખને વિવાદને સ્થળે હજારો લોકોની અને પ્રસાર માધ્યમોની હાજરીમાં કઈ રીતે મુકાયો? અને એથી યે વધું જટિલ પ્રશ્નનું સમાધાન થતું નથી કે લખનૌ મ્યુઝિયમમાંથી એ ક્યારે ચોરાયો?

નિવૃત્ત આઈ.પી.એસ. અધિકારી અને સંસ્કૃતના વિદ્વાન કિશોર કુણાલ પી.એમ.ઓ.ના કાર્યાલયમાં ખુબ જ વગદાર વ્યક્તિ હતા. એમણે લખનૌ મ્યુઝિયમમાંથી એ કહેવાતા શિલાલેખનો ફોટો મેળવ્યો અને મ્યુઝિયમની ડાયરીની બધી નોંધ પણ તપાસી જે મુજબ જાણવા મળ્યું કે સન ૧૯૫૩માં એ શિલાલેખ મ્યુઝિયમમાં મુકાયો હતો અને એનું વર્ણન પણ હતું. એટલે મ્યુઝિયમના શિલાલેખનો જે ફોટોગ્રાફ છે તે ત્રેતકથા મંદિરના શિલાલેખનો છે અને એનું વર્ણન વિષ્ણુ-હરિના શિલાલેખના વર્ણનથી ભિન્ન હતું. આવા ઊડીને આંખે વળગે એવા પ્રમાણ છતાં વામપંથી ઈતિહાસકારોએ ક્યારે ય આ બધી બાબતો સામે કોઈ જ પ્રતિક્રિયા આપી નહીં અને જે એમના કથનથી વિરુદ્ધ હોય એવા તમામ પ્રમાણોને તેઓ સંપૂર્ણપણે અવગણે છે. ચૂપકીદી સેવીને તેઓ આ વિષયનું હનન કરવા ધારે છે. મીનાક્ષી જૈનના મતે અલાહાબાદ હાઈ કોર્ટમાં થયેલી ગવાહીની વિગતો જોતા એવું જણાય છે કે મોટા ભાગના અયોધ્યા વિવાદમાં  સંકળાયેલા આ વામપંથી ઈતિહાસકારો ઈતિહાસના પાયાના કથનથી પણ વાકેફ નથી. ઈરફાન હબીબ, આર.એસ. શર્મા, રોમિલા થાપર,  ડી.એન. ઝા, સુરજ ભાન અને મુન્ડાલ આ છ ઈતિહાસકારો આગળ પડતા રહેતા અને તેઓમાં સૌથી વધુ સક્રિય ઈરફાન હબીબ હતા.

આ વામપંથી વિદ્વાનોએ આ વિવાદને બે કોમ વચ્ચેના સંઘર્ષમાં ફેરવી નાખ્યો છે અને એની ફળશ્રુતિ એ છે કે તેઓ ભલે જતા રહે પણ બંને કોમ આ સંઘર્ષમાંથી જલ્દી બહાર નહીં આવી શકે. તેઓએ આ બાબતને રાજકીય મુદ્દામાં પરિવર્તિત કરી નાંખ્યો જેના પરિણામે એની સીધી અસર હવે ચૂંટણી સમયે મતદાન ઉપર થાય છે. જેવું અયોધ્યાનું નામ પડે કે ઝપાઝપી અને રમખાણો થવાની શક્યતાઓ ઊભી થાય છે. મુસ્લિમો અને હિન્દુ કોમો વચ્ચે આ એક પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે અને એમાંથી બહાર નીકળવાનો માર્ગ જડતો નથી. તેમ છતાં મીનાક્ષી જૈનના મતે આ સૈદ્ધાંતિક લડાઈમાં વિજય પ્રાપ્ત તો થયો જ છે, કારણ કે આવનારી વામપંથીઓની પેઢી પોતાને આ બાબરી મસ્જિદ વિવાદમાં સંડોવવા માટે ઉત્સુક નથી.

મિનાક્ષી જૈનનું કહેવું છે:

મારા મતે આ આખી વાતનું કંઈક હકારાત્મક પાસું એ છે કે વામપંથીઓની યુવા પેઢીને આ પ્રકારની લડતમાં રસ નથી. એટલે તેઓ  વિવાદ ઊભો ન થાય એવી બાબતોના સંશોધન ઉપર ધ્યાન આપે છે. એટલે હું એમ માનું છું કે પ્રાથમિક તબક્કાની આ જીત તો છે જ. આવનારી પેઢી અને એમાંના યુવા શિક્ષણશાસ્ત્રીઓ આ વિચારધારાનું યુદ્ધ ચાલુ રાખવા માટે ઈરફાન હબીબ, આર. એસ. શર્મા કે રોમિલા થાપર જેવા આગ્રહી નથી અને એવી (સફેદ જૂઠ બોલવાની) છાતી પણ નથી. તેઓને વધુ પડતી માથાકૂટ નથી કરવી એવું મારું માનવું છે.

સતીપ્રથા

હવે હું મીનાક્ષી જૈનના એક ખુબ જ સુંદર પુસ્તક “સતી: ઈવાંજેલિકલ્સ, બાપ્ટિસ્ટ મિશનરીઝ એન્ડ ઘી ચેંજિંગ કોલોનિયલ ડિસ્કોર્સ” વિશે બોલવા માંગું છું. દેખીતું છે કે બધાએ સતી વિશે સાંભળ્યું જ છે એટલે મારે એ શું છે તે સમજાવવાની આવશ્યકતા નથી કારણ કે આપણા સૌના મગજમાં એ ઠસાવી દેવાયું છે કે તે હિન્દુ ધર્મને વ્યાખ્યાયિત કરતું એવું એક જન્મજાત અનિષ્ટ પાસું છે. એવું કહેવાય છે કે સતીપ્રથાની નાબુદી એ લૉર્ડ વિલિયમ બેન્ટિકના મહત્ત્વના સમાજસુધારાના પગલાંઓમાંનું એક હતું. મીનાક્ષી જૈને આ વિષય ઉપર ઊંડો અભ્યાસ કર્યો છે અને એમને સતી વિશેના શક્ય એટલા બધાં શિલાલેખો, શિલ્પો અને સાક્ષીઓના આંખે દેખ્યા અહેવાલોને તપાસ્યા છે અને બધા પ્રમાણોને આધારે ખુબ જ ચોંકાવનારા દાવા કરે છે.

જ્યારે સિકંદર પોતાને દેશ પાછો વળી રહ્યો હતો ત્યારે સતી વિશેનો આંખે દેખ્યાનો ઉલ્લેખ થયેલો મળે છે. તેની લશ્કરની એક ટુકડીમાં એક શશી ગુપ્તા નામનો ભારતીય જનરલ હતો જે અચાનક મૃત્યુ પામ્યો ત્યારે ગ્રીક સૈનિકો એ જોઈને હેરાન થઈ ગયા કે એની બે વિધવાઓ ત્યાં આવીને મૃત પતિની ચિતા ઉપર ચડીને સતી થવા માટે એકબીજા સાથે લડવા મંડી. આ સતી વિશેનો પહેલો નોંધાયેલો કિસ્સો છે. ત્યાર બાદ પાંચમી સદીનો મધ્ય પ્રદેશમાં નોંધાયેલો કિસ્સો છે અને તે પછી ચૌદમી સદીના આરબ પ્રવાસી ઈબ્ન બતુતાએ નોંધેલો કિસ્સો મળે છે. એટલે સતી થયેલી સ્ત્રીઓના ખરેખર આંખે દેખ્યા અહેવાલ બહુ જૂજ છે.

પરંતુ જ્યારે ભારત આવવાનો નવો (દરિયાઈ) માર્ગ વાસ્કો-ડી-ગામાએ શોધ્યો ત્યારે ઘણા પરદેશી પ્રવાસીઓ ભારત આવવા મંડ્યા અને ભારત વિશે લખવા લાગ્યા કારણ કે ભારત વિશે જાણવાની ખુબ ઉત્સુકતા એ સમયે યુરોપમાં હતી. પર્યટન માટે  ભારત આવવા માંગતા પ્રવાસીઓની મોટી બજારની માંગને પહોંચી વાળવા માટે છપાતી પુસ્તિકાઓમાં માહિતી આપવા માટે એના લેખકોએ અસામાન્ય અને ખુબ જ વિલક્ષણ બાબતો ઉપર વધુ ભાર મુક્યો. એ વિષયોમાં સતી એક મહત્ત્વનો વિષય હતો અને તેથી તે તેમના અહેવાલનો એક ખાસ હિસ્સો બન્યો. પરંતુ આ યુરોપિઅન પ્રવાસીઓના અહેવાલનો ચોક્સાઈથી અભ્યાસ કરતા એમ સમજાય છે કે તેમના શબ્દો સરખા જ છે અને એકબીજાના અહેવાલને તેઓ ટાંકતા રહ્યા છે. એટલે આર્થિક લાભપ્રાપ્તિ માટે આ આખી ખાસ વિલક્ષણ વાર્તાને વણીને દંતકથા રચવામાં આવી જ્યારે ખરેખર “સતી”ની ઘટનાને નજરે નિહાળનારા લોકોની સંખ્યા જૂજ છે. તદુપરાંત, આ અહેવાલો ઉપરથી સતી પ્રથા ભારતના ક્યા ભાગોમાં પ્રચલિત હતી એ સમજમાં નથી આવતું.

અઢારથી ઓગણીસમી સદી સુધી આ પ્રકારના વિલક્ષણ અહેવાલો મર્યાદિત હતા. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ભારત આગમન પશ્ચાત હકીકત ખાસ્સી બદલાઈ ગઈ. ઈસ્ટ ઈન્ડિયા કંપની બંગાળ પ્રદેશમાં ધણી થઈ બેઠી હતી અને એ બાબતની એમને ચોખ્ખી સમજ હતી કે ભારતમાં તેઓ ધનપ્રાપ્તિ માટે જ આવ્યા હતા, નહીં કે એની સભ્યતાના ચારેકોર ગુણગાન ગાવાના કોઈ ઉમદા હેતુ માટે. ખરેખર તો ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શરૂઆતના અધિકારીઓને  ભારતના રીતરિવાજો અને સંસ્થાઓ પ્રત્યે ખુબ જ આદરભાવ હતો. તેઓમાંના અમુક તો ભારત દેશ ઉપર બ્રિટિશ સંસ્થાઓ લાદવાની વિરુદ્ધમાં પણ હતા. તેઓ એ બાબત સમજી ચૂક્યા હતા કે ભારતની ઘણી સંસ્થાઓ મુસ્લિમ શાસકો દ્વારા કરાયેલી બરબાદીને લીધે ઉપેક્ષાગ્રસ્ત હતી અને તેમને પુનર્જિવિત કરવાની આવશ્યક્તા હતી. પરંતુ આ સંસ્થાઓ સ્થાનિક હોવાને લીધે સદ્ધર હતી અને સ્થાનિક પ્રજાને એમની સાથે તાલમેલ હતો એટલે તેઓને આ સંસ્થાઓ ઉપર જબરદસ્તીથી બ્રિટિશ સંસ્થાઓ ઠોકી બેસાડવાનો કોઈ અર્થ જણાયો નહીં. એમને તો માત્ર ધન કમાવામાં રસ હતો અને સમાજ જેમ અગાઉ ચાલતો હતો એમ ચાલવા દેવો હતો.

એ સમયે મિશનરીઓને બ્રિટિશ પ્રદેશોમાં દાખલ થવાની મનાઈ હતી. અને જો કોઈ આવી જાય તો તુરંત તેમને બીજા જ વહાણમાં પાછા ચડાવી દેવામાં આવતા. એટલે આ મિશનરીઓએ ત્યાંની પાર્લામેન્ટમાં જઈને ભારતને અસંસ્કારી અને અનિષ્ટ રીતરિવાજોથી ભરપૂર દેશ તરીકે ચિતર્યો અને રજુઆત કરી કે આ અસભ્ય જનાવરોના દેશને માત્ર ખ્રિસ્તી ધર્મ જ સંસ્કારી બનાવી શકશે. હું મારા વાચકોને એ સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે અંગ્રેજો દ્વારા ભારત ઉપરના શાસન દરમિયાન ખ્રિસ્તી ધર્મનું પ્રભુત્વ હતું એ વાત તદ્દન ખોટી છે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ખ્રિસ્તી મિશનરીઓ આવીને દૂઝણી ગાય સાથે છેડછાડ કરે એ બિલકુલ પસંદ ન હતું. ખ્રિસ્તી મિશનરીઓ આવીને ભારતમાં અઢળક ધન કમાવા માટેનું એમણે ઊભું કરેલું તંત્ર અસ્તવ્યસ્ત કરે તે તેઓને બિલકુલ સ્વીકાર્ય નહોતું. એટલે ખરેખર તો ઈસ્ટ ઈન્ડિયા કંપની આ ખ્રિસ્તી મિશનરીઓની વિરુદ્ધમાં હતા. તેઓ બંને વચ્ચે ટક્કર હતી અને બ્રિટનની પાર્લામેન્ટમાં બંને પક્ષો એકબીજાના વિરુદ્ધમાં દલીલબાજી કરતા હતા. ઈસ્ટ ઈન્ડિયા કંપની એ દલીલ કરતી કે જો મિશનરીઓ ત્યાં આવશે તો ત્યાં કદાચ વિદ્રોહ થશે અને એને કારણે જે કમાણી થઈ રહી છે એમાં શક્યત: અડચણ ઊભી થઈ શકે. એ સંજોગોમાં આ મિશનરીઓએ એવી દલીલ પ્રસ્તુત કરવી પડી કે આ અભદ્ર દેશમાં જંગલિયાત છે એટલા માટે તેઓની ત્યાં આવશ્યકતા છે.

એની ફળશ્રુતિ એ થઈ કે તેઓએ  પચાસ હજારથી એક લાખ સ્ત્રીઓના આત્મદહનની અતિશયોક્તિભરી અસાધારણ કથા ઉપજાવી કાઢી. રસપ્રદ વાત તો એ છે કે આ આખું કથાનક માત્ર બંગાળ પ્રદેશનું જ હતું જ્યાં સતીપ્રથાનું અસ્તિત્વ જ ન હતું. સતીપ્રથા અને જૌહર એ મુખ્યત્વે માત્ર ઉત્તર ભારતમાં પ્રચલિત હતા અને ખાસ તો રાજસ્થાન પૂરતા સીમિત હતા. એટલે  સતીપ્રથા વિશે પુરાવા આપતો આંખે દેખ્યો અહેવાલ એ બતાવે કે જો ખરેખર સતી થવાના કોઈ જૂજ બનાવ બન્યા હોય તો તે મોટે ભાગે રાજસ્થાનમાં જ બન્યા હોય. પણ બંગાળમાં સ્થિત બ્રિટિશ લોકો બંગાળમાં સતી થવાની બાબતે સનસનાટીભરી વાર્તાઓ ઉપજાવવા મંડ્યા અને એને કારણે “અત્યાચાર સાહિત્ય”નું નિર્માણકાર્ય પુરજોશમાં ચાલ્યું. હકીકતમાં ભારત સ્વતંત્ર થયા પછી સંપૂર્ણ ભારતમાં સતી થવાના ચાલીસ બનાવ બન્યા છે જેમાંથી બે તૃતીયાંશ બનાવો રાજસ્થાનમાં બન્યા અને બંગાળમાં એકે ય નહીં. એટલે પરંપરાગત કથાનક આપણને એમ દર્શાવે છે કે જે ઘડીએ બેન્ટીકે સતીપ્રથા નાબૂદ કરી તે જ ઘડીથી સંપૂર્ણ બંગાળમાં સતીપ્રથા બંધ થઈ ગઈ.

એક સમયે બ્રિટિશ પ્રશાસનને મુસ્લિમ ઘુષણખોરોના આગમન પહેલાની ભારતીય સભ્યતા વિશે ખુબ જ સમ્માન હતું. પરંતુ ઈ. સ. ૧૮૦૦ની શરૂઆતમાં મેકોલેના આવ્યા બાદ સ્થિતિ બદલાઈ ગઈ. હકીકતમાં તો, મેકોલે પહેલા બંગાળના રામ મોહન રૉયને  પરંપરાગત ભારતીય સંસ્થાઓના નિર્મૂલન માટે દોષિત ગણાવી શકાય. હું માનું છું કે તેઓ બ્રિટિશ લોકોના હાથમાં વેચાઈ ગયા હતા. મારી દ્રષ્ટિએ તેઓ ખલનાયક હતા, કારણ કે રામ મોહન રૉયે બ્રિટિશ પ્રશાસનને લખ્યું હતું કે તેઓ બ્રિટિશ સંસ્થાઓનો લાભ ભારતને મળે એવું ઈચ્છતા હતા અને ભારતના ઉત્કર્ષ માટે અંગ્રેજીનું શિક્ષણ ભારતમાં દાખલ કરે. એટલે એવું તાત્પર્ય કાઢી શકાય કે ભારતમાં અંગ્રેજી અને બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ દાખલ કરવાની અને એ સાથે જ ભારતની વ્યવસ્થાને તિલાંજલી આપવાની શરૂઆત રામ મોહન રૉયે કરી. ત્યાર બાદ મૅકોલેની “મિનટ્સ” પ્રસ્તુત થઈ.

ઉદારમતવાદીઓ અને ખ્રિસ્તી પ્રચારકોનું ગઠબંધન

હકીકતમાં બ્રિટિશ સંસદમાં ઍડવિન બેર્કે બહુ જ સ્પષ્ટતાપૂર્વક કહ્યું કે થૅમ્સ નદીને કિનારેથી ઓકના વૃક્ષને ઉખાડીને ગંગા નદીને કિનારે રોપી ના શકાય. ભારતીય સંસ્થાઓ સ્થાનિક વસ્તીની જરૂરિયાતો સંતોષી રહી હતી અને તેઓ એ સંસ્થાઓને સ્થાને બીજી સંસ્થાઓ થોપવાને બદલે તેમને પુન:જીવિત કરી રહ્યા હતા. બ્રિટિશ લોકોમાં, ત્યાંની સંસદમાં તથા ભારતના અધિકારીઓમાં એક ચોક્કસ વર્ગ હતો જે ભારતીય સંસ્થાઓનો જીર્ણોદ્ધાર કરવા ઈચ્છતો હતો. રસપ્રદ બાબત એ છે કે જ્યારે કન્ઝર્વેટીવ પક્ષ ભારતીય સંસ્થાઓની સ્થિતિ કે વ્યવસ્થામાં દખલગીરી કરવાની વિરુદ્ધ હતો, ત્યારે લિબરલ પક્ષ એમાં ઉથલપાથલ કરવા તત્પર હતો.

આપણે ઘણી વાર એમ વિચારતા હોઈએ છીએ કે ઉદારમતવાદીઓ સાથે પનારો પાડવો એ સહેલું છે, તેઓ આપણા પક્ષમાં હોય છે વગેરે વગેરે, પણ હકીકતમાં એ આ જ ઉદારમતવાદીઓ છે જેઓ “માનવ અધિકારો”ના ઢોલનગારા સતત પીટતા હોય છે. આ ટોળકીના નેતા અને આ ઉદારમતવાદી ચળવળના સૂત્રધાર જ્હોન સ્ટુઅર્ટ મિલ (એ જ માનસિકતાવાળા) અન્ય લોકો સાથે મળીને ભારતીય સમાજમાં દખલગીરી કરવા તત્પર હતા. માનવ અધિકારોના બહાના હેઠળ માથું મારવાની એમની આ ચેષ્ટાને કારણે ઈવાન્જેલિકલ્સ, જે લોકો સંપૂર્ણ ભારતને ખ્રિસ્તી બનાવવા માંગતા હતા તેઓ, અને ઉદારમતવાદીઓ વચ્ચે જોડાણ થયું જેમાં જ્યોર્જ મિલ અને જ્હોન સ્ટુઅર્ટ મિલનો સમાવેશ થતો હતો. એટલે આ ખ્રિસ્તી મિશનરીઓ અને વામપંથી ઉદારમતવાદીઓ વચ્ચેનું જોડાણ છેક ૧૮૦૦થી ચાલ્યું આવ્યું છે અને એટલે જ આ લોકો વચ્ચે આજે જે જોડાણ વર્તાય છે તે આકસ્મિક નથી. અને આ બાબત બહુ જ રસપ્રદ છે કારણ કે રૂઢિવાદીઓ બધા મૂડીવાદીઓ હતા જેઓ ભારતને જેમ હતું તેમ પસંદ કરતા હતા અને એમને માત્ર ધનપ્રાપ્તિમાં રસ હતો. તેમને દખલગીરી કરવામાં બિલકુલ દિલચસ્પી નહોતી. આપણા લોકો (આ ઈતિહાસ વિશે) કશું વાંચતા નથી એટલે તેઓ જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ખ્રિસ્તી ધર્મના ફેલાવા કે મિશનરી પ્રવૃત્તિ સાથે સરખાવે છે ત્યારે પોતાની જાતને મૂર્ખ જ પ્રસ્તુત કરે છે.

એચ. એચ. વિલ્સન ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રથમ “બોડેન પ્રોફેસર” તરીકે નિયુક્ત થયા પછી ઈંગ્લેન્ડ ગયા બાદ પણ કેશબ સેનના દાદા રામ કમલ સેનના સંપર્કમાં રહેતા હતા. એમનો મત હતો કે ભારતીયોએ સંસ્કૃતની માંગણી ચાલુ રાખવી જોઈએ કારણ કે આપણી રાષ્ટ્રીયતા અને આપણી ઓળખ સંસ્કૃત સાથે જોડાયેલી છે. તેમણે ભારતીયોને પ્રોત્સાહિત કર્યા કે અંગ્રેજી શિક્ષણ દાખલ કરવાની જે હિલચાલ હતી એને નિષ્ફળ બનાવવા માટે એમની શક્તિ મુજબ જે કાંઈ કરી શકાય એ કરવું જોઈએ. એટલે એવી ઘણી બાબતો છે જેને માટે આપણે વામપંથીઓને દોષી ગણીએ છીએ, પણ ખરેખર તો ભારતમાં અંગ્રેજી શિક્ષણ દાખલ કરવા માટે આપણા જ લોકોએ માંગણી કરી હતી. સ્વતંત્રતા પછી જો આપણે પશ્ચિમનું અનુકરણ કરીશું તો આપણું મહત્ત્વ વધી જશે એવી ઘણા ભારતીયોમાં એક ફેશન થઈ ગઈ હતી. એટલે ગોરાસાહેબ બનવું એ એક સન્માનભર્યો હોદ્દો હતો કારણ કે શ્વેત લોકો પછીની (ઉતરતા ક્રમની) ઉત્તમતામાં શ્વેત લોકો જેવું વિચારવું એવી માન્યતા આ વર્ગમાં ઘર કરી ગઈ હતી. એટલે આપણા લોકો પણ “બહારથી” વિચારો આપણા દેશમાં દાખલ કરવા માટે જવાબદાર છે.

મૂર્તિખંડન

હવે હું મૂર્તિખંડન વિશે કહેવા માંગું છું, કારણ કે મૂર્તિઓને ખંડિત કરવી, બાળી નાંખવી કે ચોરી લેવી એ ખ્રિસ્તીઓ અને મુસ્લિમોની આદત અને માન્યતા છે. મીનાક્ષી જૈને એમાં ખુબ જ કુશળતાભર્યું, મૌલિક તેમજ પાયાનું (અને) વિવાદાસ્પદ સંશોધન કર્યું છે. વામપંથી ઈતિહાસકારો જેવા કે મોહમ્મદ હબીબથી શરૂઆત કરીને છેક રોમિલા થાપર સુધી સૌ (ખ્રિસ્તીઓ અને મુસ્લિમો દ્વારા કરાયેલા) મૂર્તિખંડનને ખાસ મહત્ત્વ નથી આપતા અને એને કારણે થયેલા નુકસાનનું અને એમના જંગલીપણાનું મુલ્ય બને એટલું ઓછું આંકવા પ્રયત્ન કરે છે. ઘણા પશ્ચિમી ઈતિહાસકારોએ પણ આ દ્રષ્ટિકોણને પુષ્ટિ આપી છે. તેમના મતે આ કહેવાતા “મંદિરોનો વિધ્વંસ” એ એક અંગ્રેજોએ વહેતી કરેલી દંતકથા હતી કારણ કે હિંદુઓ અને મુસ્લિમો એક સમાજ તરીકે હળીમળીને રહે તેવું અંગ્રેજો ઈચ્છતા ન હતા. રિચાર્ડ ઈટને એક લેખ લખ્યો હતો, “ઈન્ડો-મુસ્લિમ રાજ્યોમાં મંદિરોનો વિધ્વંસ (Temple destruction in Indo-Muslim states)”, જેમાં એમણે લખ્યું હતું કે એક હજાર વર્ષમાં વધુમાં વધુ એંશી મંદિરો તોડી પડાયા હતા. રિચાર્ડ ડેવિસે એક પુસ્તક લખ્યું હતું, “ભારતીય મૂર્તિઓનું જીવન (Lives of Indian images)”, જેમાં તેઓ લખે છે કે તુર્કીઓ ભારતમાં આવ્યા એ પહેલા ભારતમાં મૂર્તિઓ ચોરવાની અથવા તોડી પાડવાની રીત પ્રચલિત હતી જ અને તુર્કીઓએ તો માત્ર એ પ્રચલિત રીતનું અનુકરણ જ કર્યું. બીજા અનેક લેખકોમાં શેલ્ડોન પૉલોક પણ આ કથન સાથે સંમત થાય છે અને એની ફળશ્રુતિ એ છે કે હિન્દુઓએ મુસ્લિમ લોકો દ્વારા મૂતિઓના થતા ખંડન વિશે ફરિયાદ કરવી નહીં કારણ કે મુસ્લિમો અગાઉ હિંદુઓ પોતે પણ આ જ કાર્ય કરતા હતા.

મીનાક્ષી જૈને આ વામપંથી ઈતિહાસકારોએ ટાંકેલા આ બધા સ્ત્રોતોને બહુ વ્યવસ્થિતપણે તપાસ્યા અને એમનું તાત્કાલિક નિરીક્ષણ એ હતું કે આ બધા સ્ત્રોતોમાં ભાગ્યે જ કોઈ હિન્દુ સ્ત્રોત હતો. તેમનું કહેવું છે કે હિન્દુ સ્ત્રોતોની શોધ કરવાને બદલે તેમણે આક્રમણ કે હુમલો થવા પહેલા મૂર્તિઓ મંદિરની બહાર કાઢી લેવાના બનાવો વિશે અને એ ભય દૂર થયા પછી મૂર્તિઓના પુન:સ્થાપન બાબત તપાસ આદરી.

મને વિચાર આવ્યો કે “જો હિંદુઓની આટલી હદ સુધી પાયમાલી થઈ હોય તો એની કોઈ નોંધ ક્યાંક તો હોવી જ જોઈએ. આધુનિક ઈતિહાસકારોની જેમ ભલે હિન્દુઓએ ના લખ્યું હોય પણ તો યે એમણે એમના અનુભવ વિશે ક્યાંક તો લખ્યું હશે જ”. અને ત્યાર બાદ મેં એના પ્રમાણ તપાસવાની શરૂઆત કરવા માંડી અને ત્યારે મેં વિચાર્યું કે, આ સમસ્યાને વધુ સારી રીતે ઉકેલવી હોય તો એ મૂર્તિઓની શું સ્થિતિ થઈ એ તપાસ કરવી વધુ ફળદાયી રહેશે. કારણ કે મંદિરો તો વિશાળ ઈમારતો હતી. તેઓની રક્ષા કરવી અશક્ય હતું. પણ મૂર્તિઓની રક્ષા કરવાનું શક્ય હતું. એટલે મને વિચાર આવ્યો કે શું મૂર્તિઓની રક્ષા કરવાના પ્રયત્ન થયા હતા? મને ખબર પડી કે અમુક વિદ્વાનોએ એ વિષય ઉપર કાર્ય કર્યું હતું. આ સંશોધનને પરિણામે મેં એ જાણ્યું કે હિન્દુઓએ કેટલી કાળજીપૂર્વક એમના દેવતાઓની મૂર્તિઓને સાચવી અને તેઓ આ જોખમ ઉઠાવવા  કેટલી હદ સુધી ગયા. અને અનેક સદીઓ પછી તેમણે આ મૂર્તિઓને જે તે મંદિરોમાં પુન:સ્થાપિત કરવા પ્રયત્ન કર્યા.

એમના કથનને સમર્થન આપવા તેઓ નવમી સદીના કોલ્હાપુરના મહાલક્ષ્મી મંદિરનું એક ઉદાહરણ આપે છે જ્યાં યોગાનુયોગ અગાઉ શક્તિમાતાની પૂજા થતી હતી, જેનું પ્રમાણ પણ મળે છે. જ્યારે ભારતના દક્ષિણ પ્રદેશમાં ઈસ્લામ ધર્મીઓ દ્વારા આક્રમણ થવાની શરૂઆત થઈ ત્યારે મંદિરમાંથી મૂર્તિ ગાયબ થઈ ગઈ અને મંદિર પરિસરનો ઉપયોગ સ્થાનિક શાસન દ્વારા શાસકીય વહીવટ માટે થવા મંડ્યો. ત્યાર બાદ, સદીઓ પછી જ્યારે અઢારમી સદીમાં સંભાજી બીજા કોલ્હાપુરની ગાદી ઉપર બેઠાં ત્યારે તેમણે કહ્યું કે હિંદુઓ હવે મૂર્તિઓના પુન:સ્થાપન માટે તૈયાર છે અને તેમણે મૂર્તિઓની શોધખોળ કરવા માંડી. એ મૂર્તિ એક ઉપાસકના ઘરમાં મળી જેની મંદિરમાં વિધિસર પુન:સ્થાપના કરવામાં આવી અને આજે પણ એ મૂર્તિની ત્યાં પૂજા થાય છે. એટલે મંદિરોના વિધ્વંસનો, મૂર્તિઓના ખંડનનો કે આક્રમણકારીઓની જંગલીયાતનો  હિંદુઓ દ્વારા કોઈ વૃતાન્ત નોંધાયો નથી એમ કહેવાને બદલે આપણે એમ પ્રત્યુત્તર વાળી શકીએ કે મૂર્તિઓને છુપાવી દેવામાં આવી અથવા અન્ય સ્થળે લઈ જઈને સાચવવામાં આવી, એ જ સાબિત કરે છે કે અન્ય મૂર્તિઓનો કેટલો ખતરનાક અંત આવ્યો હશે.

પરંતુ, જ્યારે વામપંથી ઈતિહાસકારો એમ કહે છે કે હિન્દુ રાજાઓ મંદિરમાં ઘુષણખોરી કરીને મૂર્તિઓ લઈ જતા ત્યારે એમનો કહેવાનો ભાવાર્થ એમ જ હોય છે કે હિન્દુ રાજાઓ હકીકતમાં આ મૂર્તિઓનો નાશ કરી નાંખતા હતા. પરંતુ હકીકતમાં રાજાઓ મૂર્તિઓને પોતાના કબજામાં લઈને અન્ય સુરક્ષિત સ્થળે લઈ જતા હતા અને મૂર્તિઓના પૂજન માટે પોતે મંદિરો બનાવતા હતા. એવા માત્ર અડધો ડઝન જેટલા જ બનાવો છે જ્યારે રાજાઓએ મૂર્તિઓને પોતાના તાબામાં લીધી હોય પણ એથી વધુ મહત્ત્વનું એ છે કે મૂર્તિઓની સંપૂર્ણ આમન્યા જળવાતી અને પૂર્ણ આધ્યાત્મિક્તાના ભાવ સાથે પૂજા થતી. અને સમય આવ્યે આ મૂર્તિઓનું  સંપૂર્ણ ભાવભક્તિપૂર્વક અને શાત્રોક્તવિધિ અનુસાર પુન:સ્થાપન કરવામાં આવતું. મુસ્લિમ આક્રાંતાઓ તો મૂર્તિઓને ખંડિત કરીને ઘણી વખત મસ્જિદના પગથિયે ફેંકી દેતા જેથી મસ્જિદ આવનારા મુસ્લિમો એ મૂર્તિઓ ઉપર ચાલીને રગદોળી દઈ શકે. એવી જે એમની રીત હતી એ કરતા તદ્દન વિપરીત રીત હિન્દુ રાજાઓની હતી. એટલે હિન્દુ રાજાઓ મૂર્તિને પોતાના તાબામાં લઈ લેતા અને મુસ્લિમ આક્રાંતાઓ મૂર્તિઓનું ખંડન કરી દેતા એ બંને બાબતોની આ સરખામણી અયોગ્ય છે અને બંને વચ્ચે કોઈ ભેદ નથી એવું બતાવવું એ શૈક્ષણિક રીતે પણ અયોગ્ય છે.

જવાબ આવી શકે તેવા સાહિત્યનો અભાવ

મારો ભિન્ન ભિન્ન વિરોધીઓ સાથે પનારો પડે છે. અમેરિકાના વિરોધીઓ સાથે એમના જ આંગણે અને એમના સમર્થકો ભારતીય વામપંથીઓ સાથે જે બંને હકીકતમાં સાથે મળીને કામ કરે છે. હિન્દુ બૌદ્ધિક વર્ગ સાથે એક મોટો પ્રશ્ન એ થાય છે કે તેઓ અભ્યાસ કરતા નથી, ઈર્ષ્યા કર્યા કરે છે અને વિદ્વતાનું ધોરણ ખુબ જ નિમ્ન સ્તરનું હોય છે. આપણે અનેક કોન્ફરન્સીસ કરીએ, સંમેલનો કરીએ, મંથન કરીએ અને સભાઓ ભરીએ અને ઘણા લોકો આવતા હોય છે, અભિપ્રાયો આપતા હોય છે અને ગંભીર સંશોધન પ્રસ્તુત કરવાને બદલે ભાવનાત્મક ભાષણો કરતા હોય છે. ઘણા લોકો આવા સ્થળે, આવા કાર્યક્રમોમાં નિયમિત ભાગ લેતા હોય છે, એક મેળામાંથી બીજા મેળામાં કુદકા મારતા હોય છે પરંતુ કોઈ પણ રચનાત્મક કાર્યને નામે તો માત્ર મીંડું જ હોય છે. મીનાક્ષી જૈન પણ મારી આ વાત સાથે સંમત થાય છે અને ઉમેરે છે કે આ કહેવાતા હિન્દુ બૌધિકો માટે હોબાળો મચાવવો એ ખરેખરા સંશોધન કાર્ય કરતા વધુ મહત્ત્વ ધરાવે છે. તેઓ કહે છે:

“મેં જ્યારે આ વિષયમાં સંશોધન કરવાનું ચાલુ કર્યું ત્યારે એવું બનતું કે હું કોઈ પશ્ચિમી વિદ્વાનને મળતી તો તેઓ મને એવું કહેતા કે તમે અમારૂ અને વામપંથીઓનું કથન વાંચીને આકુળવ્યાકુળ થાઓ છે પણ તમે અમને એના પ્રતિભાવ આપતું કથન આપો તો અમે એ વાંચી શકીયે. પણ કમનસીબે એવું કથન આપણી પાસે નથી.”

નવી સરકાર એમાં કોઈ જ રીતે મદદરૂપ થઈ નથી. કારણ કે હું જોઉં છું કે કોઈ પક્ષ કે પાર્ટીના વફાદાર એવા જુના જોગીઓ આવા મહત્ત્વના સ્થાન પ્રાપ્ત કરી લે છે અને મોટે ભાગે તેમનું વિદ્વતાનું સ્તર ખુબ જ હલકી કક્ષાનું હોય છે. વધુમાં હિન્દુ સંસ્થાઓએ કોઈ પણ ચોક્કસ વિષયને લઈને ખાસ કોઈ સંશોધન પણ નથી કર્યું અને નથી કોઈ એવા પ્રકારના લેખનને પ્રકાશિત કર્યું કે એ માટે કોઈ પણ પ્રકારની મદદ કરી હોય. એટલે સંશોધનકારે વામપંથી બૌદ્ધિકોના કામ ઉપર આધાર રાખવો પડે છે કારણ કે તેમણે સોશીયો-પોલિટિકલ અને સંસ્કૃતિને લગતા ભિન્ન ભિન્ન વિષયો ઉપર ઘણું કામ કર્યું છે.

બાકી માત્ર એમના અને મારા જેવા ફ્રિલાન્સર્સ જ છે જેમણે વિશ્વસનીય સંશોધન કર્યું છે. અને એવું નથી કે કોઈ હિન્દુ સંસ્થાઓએ અમને મદદ કરી હોય. મને તો કોઈ જ મદદ મળી નથી.

ધર્મિક દ્રષ્ટિકોણ વાળું કામ કરવા માટે એ આવશ્યક છે કે (ખરા) હિંદુઓમાં કોઈ સારા વિદ્વાન હોય. પણ કમનસીબે હજી કોઈ ખાસ એવા વિદ્વાન ક્યાંય હોય એવું લાગતું નથી. વિદ્વતા પ્રાપ્ત કરવા માટે ઘણો લાંબો સમય લાગે છે અને એ માટે ઘણી મહેનત કરવી પડે છે અને તે ઉપરાંત ઘણો ખર્ચો પણ કરવો પડે છે. ઘણા કહેવાતા વિદ્વાનોમાં પૂરતી બૌદ્ધિક ક્ષમતા હોતી નથી અને તર્કિક દલીલ કરવાની આવડત હોતી નથી પરંતુ તેમ છતાં તેમને કોઈ પણ તપસ્યા કર્યા વિના લાઈમ-લાઈટમાં રહેવું છે. મીનાક્ષી જૈન આ વિશે સંમત થાય છે અને ઉમેરે છે કે સંશોધન કરવાની ઈચ્છા વ્યક્તિને પોતાની અંદરથી આવવી જોઈએ અને  એને પોતાને એ કાર્યની સચ્ચાઈની ગળા સુધીની ખાતરી હોવી જોઈએ અને એક ઉત્તમ કાર્ય સંપન્ન કરવા માટે જીવનના ઘણાં વર્ષોનો ભોગ આપવાની તૈયારી હોવી જોઈએ. સખત મહેનત સાથે કીર્તિ કે ગ્લેમર ભાગ્યે જ જોડાયેલા હોય છે.

ઘણા સ્કોલર્સને તો ખબર જ નથી કે કેવા પ્રકારનું બુદ્ધિમત્તાનું કામ સામો પક્ષ કરી રહ્યો છે જેનું તેમણે ખંડન કરવાનું છે. તેઓ વિરોધી પક્ષનો પૂરતો પૂર્વ-પક્ષ કરતા નથી એ ખુબ જ મોટો પ્રશ્ન છે. તેઓમાંના ઘણા તો આળસુ છે અથવા લાયકાત વિનાના છે અને તેઓ માત્ર પોતાની કારકિર્દી આગળ ધપાવવા માટે રાજકીય વગ વધારવામાં જ રસ ધરાવે છે. એમાંના અમુક તો માત્ર અહીં-તહીંથી ગેરવાજબી રીતે કોઈનું લખેલું તફડાવીને, ચોરી કરીને અને થોડા-થોડા વિચારો ભિન્ન ભિન્ન જગ્યાએથી લઈને પોતાના નામે એક નવો બ્લોગ કે લેખ લખી નાખે છે. ધારો કે આપણી પાસે પોલોકના કામના દસ ટ્રેક છે અને દસ પૅનલ છે અને આપણે એમના કામનો પૂર્વ-પક્ષ કરીને પડકારવાના હેતુથી પ્રોત્સાહિત કરવા માટે સ્ટાઈપન્ડ આપીને આ વિષયના જાણકાર સ્કોલર્સ પાસે અરજી મંગાવીએ છીએ તો પણ મોટા ભાગના અમુક ચોક્કસ લોકો પોતાની જાતને હિન્દુ સ્કોલર્સ ગણતા એવા તેમના(પોલોકના) કાર્યને વાંચતા નથી અને વાંચવા માંગતા પણ નથી. મીનાક્ષી જૈન કહે છે:

“એટલે મેં તેઓમાંના એકને કહ્યું કે તમે ઈરફાન હબીબ વગેરેને ઓળખો છો પરંતુ નવી પેઢીના પશ્ચિમી સ્કોલર્સને ઓળખો છો, જેઓ આમનું કામ આગળ ધપાવી રહ્યા છે? મેં કહ્યું કે ભારતની બીજી પેઢીના વામપંથી સ્કોલર્સ આ પ્રકારની વિચારધારાની લડાઈથી દુર રહેવા માંગે છે અને માત્ર ખરેખરા એકેડેમિક વિષયોને લઈને જ રિસર્ચ કરવા ઈચ્છે છે. પરંતુ જે નવી પેઢીના પશ્ચિમી સ્કોલર્સ છે તેઓએ ઘણું કામ કર્યું છે. શું તમને નથી લાગતું કે એમને પ્રતિભાવ આપવો જોઈએ?”  હકીકતમાં તો તેઓ આ નવી પેઢીના પશ્ચિમી સ્કોલર્સના નામ પણ નથી જાણતા.

આમાના ઘણા લોકોએ મારું ઘણું કામ પોતાના નામે પ્રસ્તુત કર્યું છે અને તે પણ કોઈ જાતના સંદર્ભ વિના કે ક્રેડિટ આપ્યા વિના. તેઓ ખરી માહિતીના અભાવવાળી આ રાજકીય વ્યવસ્થામાં પોતાની કારકિર્દી આગળ ધપાવવા માટે મારા કામની સીધેસીધી કોપી કરતા હોય છે. આજના જે હિન્દુઓના (એટલે કે ભારત દેશના) હિતની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ એવા રાજકીય માળખા છે તેઓ પાસે સાચી જાણકારીનો અને સંશોધનનો સંપૂર્ણ અભાવ છે એટલે એવા લેભાગુ લોકો એ શૂન્યાવકાશને પુરવા માટે તત્પર છે જેથી તેઓ પોતાની કારકિર્દીમાં આગળ વધી શકે અને એ સિદ્ધ કરવા માટે તેઓ આવા અપ્રમાણિક સાધનોનો ઉપયોગ કરે છે. એટલે આ પણ એક સમસ્યા છે.

મીનાક્ષી જૈન સાચું જ કહે છે કે હિન્દુઓ બૌદ્ધિક રીતે બહુ વામણા બની ગયા છે એ ખુબ જ આશ્ચર્યની વાત છે. ખુબ જ પ્રતિકૂળ વાતાવરણમાં અને કપરા સમય દરમિયાન પણ હિંદુઓ સતત ક્રિયાશીલ રહેતા હતા, વિરોધીઓનો પૂરતો પૂર્વ-પક્ષ કરતા, પ્રત્યેક પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ હતા અને તેઓએ પોતાની ઓળખ અને સંસ્કૃતિને કોઈ પણ ભોગે જાળવી રાખી. તેઓ પોતાની સંસ્કૃતિ અથવા વિરાસત વિષે જાગૃત હતા અને એ માટે ગર્વ અનુભવતા. અત્યારે તો વામણું હિન્દુ માનસ એક સર્વસામાન્ય બાબત થઈ ગઈ છે. હું આ બાબતને “મોરોનાઈઝેશન ઑફ ઘી હિંદુસ્ (હિંદુઓની મૂર્ખાઈની સ્થિતિ)” તરીકે વર્ણવું છું, જેમાં બુદ્ધિમત્તાની રીતે જુઓ તો જાણકારીનો લગભગ અભાવ છે.

ભવિષ્યની સ્વદેશી ઈન્ડોલોજી શૃંખલા

અમે (ઈન્ફિનિટી ફાઉન્ડેશન) સ્વદેશી ઈન્ડોલોજીની શૃંખલા વિકસાવી રહ્યા છીએ, જેનો હેતુ રોમિલા થાપર, ઈરફાન હબીબ જેવા ઈતિહાસકારો, તેમના વિદ્યાર્થીઓ, એક એવી ચોક્કસ (રાષ્ટ્રહિતની વિરોધી) વિચારધારા વગેરેના કથનનું ખંડન કરવાનો છે અને એ માટે અમે નવા યુવાન સ્કોલર્સને પેપર્સ પ્રસ્તુત કરવા નિમંત્રણ આપીયે છીએ. જો આપણે સ્કોલર્સ ઊભા કરવા હશે તો આપણે ચોક્કસ વિષય નક્કી કરવો આવશ્યક છે અને આપણે ભારતના એકદમ તેજસ્વી યુવાન ઈતિહાસકારો અને પોલિટિકલ વિચારકોને સમાવવા જરૂરી છે. આપણું ધ્યેય એવું કેન્દ્રિત રાખવું જોઈએ કે જેથી આપણે એવા સ્કોલર્સ ઊભા કરી શકીએ કે જેઓ રોમિલા થાપર જેવા મોટા માથાને એમના જ “હોમ-ગ્રાઉન્ડ” ઉપર પણ પડકારી શકે.

નવી સરકાર હજી સમજી શકી નથી કે આ સંસ્થાઓના ચાલવા પાછળ કઈ રીતની આંતરિક કાર્યશીલતા છે અને કેવું રાજકારણ રમાય છે. વામપંથી ઈતિહાસકારોએ એક આખી પરંપરા ઊભી કરેલી છે. થોડા વામણી બુદ્ધિવાળા હિંદુઓને આ સંસ્થાઓમાં બેસાડી દેવાથી આ પ્રશ્ન હલ થવાનો નથી. આપણે આપણો પોતાનો એજેન્ડા રાખવો જોઈએ, ચોક્કસ આઈડિયા હોય અને જેમણે આવા ક્ષેત્રમાં કંઈ (નોંધનીય) કાર્ય કર્યું હોય એવા લોકોને રાખવા જોઈએ.

એટલે અમે હવે “દ્રવિડિયનીઝમ પાસેથી તમિલનાડુ પાછું મેળવો” વિષયને લઈને એક કોન્ફરન્સ કરવાના છીએ. ખુબ જ ખ્યાતનામ આર્કિઓલોજિસ્ટ અને ઈતિહાસકાર એવા શ્રી નાગસ્વામી અમારી સાથે કામ કરી રહ્યા છે એટલે અમે ભરપૂર ભાષાકીય, આર્કિઓલોજિકલ અને ઐતિહાસિક પ્રમાણો દ્રવિડિયનીઝમના સિદ્ધાંતનું ખંડન કરવા માટે પ્રસ્તુત કરીશું. આપણે આ દ્રવિડોની જે ચળવળ છે એમાં ખ્રિસ્તી મિશનરીઓની ભૂમિકાને પણ સમજવી પડશે  એટલે એ વિષય ઉપર પણ અમે (સંશોધન કરેલા) પેપર્સ મંગાવીશું.

એક અન્ય વિષય છે આપણા શાસ્ત્રોમાં “આગમા”નો, જેની ઉપેક્ષા થયેલી છે. પરંતુ તે હિન્દુ ગ્રંથોમાં સૌથી વ્યાપક ગ્રંથ છે એટલે અમે એક કોન્ફરન્સ એ વિષય ઉપર પણ કરવા ઈચ્છીએ છીએ. પછી અમે અમુક ભારતીય ઈતિહાસકાર અથવા એવા કોઈ જૂથને પરિપ્રેક્ષ્યમાં રાખીને એમના ઉપર કોન્ફરન્સ કરીશું.

અમે “બ્રેકિંગ ઈન્ડિયા” પરિબળોથી ભારતની રાષ્ટ્રીય સુરક્ષા ઉપર જે ખતરો મંડરાય છે તે વિષયક પણ આવું કંઈક કરવાનું વિચારીયે છીએ. ત્યાર બાદ, અમે આપણા પારંપરિક સ્ત્રોતો જેવા કે (કૌટિલ્યનું) અર્થશાસ્ત્ર, અર્થવ્યવસ્થા આધારિત સિદ્ધાંતો, પોલિટિકલ વ્યવસ્થાને લગતી પરિકલ્પના અને એ બધું આધુનિક સમાજને લાગુ પડી શકે કે નહીં એ પણ એક વિષય છે. પ્રા. વૈદ્યનાથને એ વિષય ઉપર ઘણું સંશોધન કરેલું છે. તેઓ અમારી સલાહકાર સમિતિના સદસ્ય છે અને તેઓ આ વિષય ઉપર નેતૃત્વ કરશે. અમે વૈદિક શાસ્ત્રો આધારિત પર્યાવરણ વિશે પણ કંઈક કરવા માંગીયે છીએ અને અમુક વૈદિક વ્યવહાર વિશે પણ સમજવા માંગીએ છીએ કે જેનો આજની કેમિકલ આધારિત અર્થવ્યવસ્થાને બદલે આજના સમયમાં ઉપયોગ કરી શકાય.

આ પ્રત્યેક વિષયો મહત્ત્વના છે અને એ સખત મહેનત માંગી લે છે. આપત્તિ એ છે કે આ પ્રકારના વિષયો ઉપર જેમણે કામ કર્યું હોય એવા બહુ સ્કોલર્સ પણ આજે નથી. આવા સ્કોલર્સને શોધવા એ ઘાસના ઢગલામાંથી સોયને શોધવા જેવું કામ છે. એટલે અમે પ્રતિભાશાળી વ્યક્તિઓને શોધીને એમનું જતન કરીને, એમાં વર્ષો સુધી (સમય અને ધનનું) રોકાણ કરીને એક “હોમ-ટીમ (સ્વદેશી સ્કોલર્સની ટીમ)” ઊભી કરવા માંગીએ છીએ. જેમ ફળના વૃક્ષોને વાવ્યા બાદ વર્ષો પછી એમની ઉપર ફળ આવે છે એવું જ આ કાર્ય છે. ટૂંકમા, આ પ્રકારનું કામ કરવા અમે પ્રયત્નશીલ છીએ.

છેલ્લે, હું મારા વાંચકોને એટલું જણાવી દેવા માંગું છું કે મીનાક્ષી જૈન એમની બહેન સંધ્યા જૈન કરતા એકદમ અલગ જ વ્યક્તિ છે. તેઓ એક પ્રખ્યાત પત્રકાર છે અને  કોઈ ખાસ ચોક્કસ કારણ વિના મારી ઉપર સતત હુમલો કર્યા કરે છે, લગભગ જાણે એ વિષયનું વળગણ ના થયું હોય એ પ્રકારનો તેઓ મારી ઉપર એક વિકૃતિસભર હુમલો કરતા હોય છે અને હું જો એનો પ્રત્યુત્તર આપું તો બળતામાં ઘી ઉમેરવા જેવું થાય છે એટલે હું એમના હુમલાને અવગણુ છું. થોડા સમય પછી હુમલા ખતમ થઈ જાય છે અથવા કોઈ વચ્ચે પડીને એમને કહે છે કે હવે બસ કરો. પછી એકાદ વર્ષ માટે ચૂપ થઈ જાય છે અને પાછો કોઈ કીડો સળવળે છે અને તે ફરી ચાલુ થઈ જાય છે. એટલે લોકો વિચારતા હોય છે કે તેઓ ખરેખર તરંગી છે અને હું પણ વિચારું છું કે કદાચ આ સાચું જ હશે કારણ કે એ હુમલામાં કોઈ પણ તર્ક હોતો નથી. એટલે હું એમ કહેવા માંગું છું કે મીનાક્ષી જૈન એ સાવ ભિન્ન પ્રકારના વ્યક્તિ છે, ખુબ સમતોલ વૃત્તિ વાળા, શાંત અને તર્કસંગત વ્યક્તિ છે જેમણે ચુપચાપ ઘણું કામ કર્યું છે. એટલે આ બંનેમાં તફાવત ધ્યાનમાં રાખશો અને ડીસ્કસન બૉર્ડ ઉપર બહુ બધી કૉમેન્ટ્સ ન કરતા કારણ કે સંધ્યા જૈન એ એક સમસ્યાવાળો કિસ્સો છે જ્યારે મીનાક્ષી જૈન એવાં નથી. આ ચોખવટ મારે કરવી આવશ્યક હતી.